પણજીથી 25 કિમી દૂર ‘બિર્ચ બાય રોમિયો લેન’ માં મોડી રાત્રે દુર્ઘટના; મૃતકોમાં મોટા ભાગના કિચન સ્ટાફના લોકો, CM પ્રમોદ સાવંતે તપાસના આદેશ આપ્યા

ઉત્તર ગોવાના અર્પોરા ગામમાં શનિવાર મોડી રાત્રે એક મોટી અને દુઃખદ દુર્ઘટના થઈ. અહીં એક નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે ભીષણ આગ લાગી, જેમાં 23 લોકોના મોત થયા.

પોલીસે જણાવ્યું કે રાજ્યની રાજધાની પાણજીથી લગભગ 25 કિલોમીટર દૂર સ્થિત એક જાણીતા પાર્ટી વેન્યુ ‘બિર્ચ બાય રોમિયો લેન’ માં મધ્યરાત્રી પછી આ આગ લાગી હતી. આ ક્લબ ગયા વર્ષે જ શરૂ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, કિચન એરિયામાં કામ કરતી વખતે અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો. જોરદાર ધમાકા બાદ આગે જોતજોતામાં આખા નાઇટ ક્લબને લપેટમાં લઈ લીધું.

ગોવા ડીજીપી આલોક કુમારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે આગ લગભગ મધ્યરાત્રિની આસપાસ ક્લબના ગ્રાઉન્ડ ફ્લોરના કિચન એરિયામાં લાગી હતી. તેમણે કહ્યું, “23 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આગ લાગવાનું મુખ્ય કારણ સિલિન્ડર બ્લાસ્ટ માનવામાં આવે છે, જોકે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.”

મુખ્યમંત્રીએ સુરક્ષા નિયમોના ભંગ બદલ કાર્યવાહીની વાત કરી

દુર્ઘટનાની માહિતી મળતા જ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક ધારાસભ્ય માઇકલ લોબો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે મૃતકોમાં મોટા ભાગના કિચન સ્ટાફના લોકો હતા, જેમાં ત્રણ મહિલાઓ પણ સામેલ હતી. તેમણે એ પણ જણાવ્યું કે મૃતકોમાં ત્રણથી ચાર પ્રવાસીઓ (ટૂરિસ્ટ) પણ હતા. 23 લોકોમાંથી ત્રણના મોત દાઝી જવાથી અને બાકીના મોત ગૂંગળામણના કારણે થયા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રારંભિક માહિતી મુજબ, નાઇટ ક્લબે આગથી સુરક્ષાના નિયમોનું પાલન કર્યું ન હતું. સાવંતે આકરા પગલાં લેવાની વાત કરતા કહ્યું:

“અમે ક્લબ મેનેજમેન્ટ અને તે અધિકારીઓ સામે કાર્યવાહી કરીશું જેમણે સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા છતાં તેમને ક્લબ ચલાવવાની મંજૂરી આપી.”

તેમણે ઉમેર્યું કે ટૂરિસ્ટ સીઝનના પીક ટાઇમમાં આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભાજપના ધારાસભ્ય માઇકલ લોબોએ કહ્યું કે, “કુલ 23 મૃતદેહો મળી આવ્યા છે અને તેમને બામ્બોલિમની સરકારી મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને આખી રાત બચાવ કાર્યમાં લાગી રહી હતી.”