89 વર્ષની વયે અભિનેતાએ લીધો અંતિમ શ્વાસ; જન્મદિવસના 14 દિવસ પહેલા દુનિયાને કહ્યું અલવિદા, 300થી વધુ ફિલ્મો અને અમર ડાયલોગ્સ

RIP Dharmendra : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને ‘હી-મેન’ના નામથી પ્રખ્યાત ધર્મેન્દ્રનું આજે નિધન થયું છે. સમાચાર એજન્સી IANS દ્વારા આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. 89 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધો. તેઓ ઘણા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. 10 નવેમ્બરના રોજ તેમની તબિયત ઘણી બગડતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, 12 નવેમ્બરે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને ડૉક્ટરોએ બાકીનો ઇલાજ ઘરે જ ચાલુ રાખવાની સલાહ આપી હતી.
જન્મદિવસ પહેલાં જ અનંતની સફર: શોક વ્યક્ત કરવા સેલેબ્સ સ્મશાન ઘાટ પહોંચ્યા
ધર્મેન્દ્રનો 90મો જન્મદિવસ 8 ડિસેમ્બરે હતો, અને પરિવાર તેમના જન્મદિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યો હોવાના અહેવાલો હતા. પરંતુ, તેમના જન્મદિવસના બરાબર 14 દિવસ પહેલાં જ આ દિગ્ગજ અભિનેતાએ દુનિયાને કાયમ માટે છોડી દીધી. તેમના નિધનથી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી છે. હોસ્પિટલમાં તેમની ખબર પૂછવા માટે સલમાન ખાન, શાહરૂખ ખાન અને ગોવિંદા જેવા કલાકારો પહોંચ્યા હતા. અંતિમ સંસ્કાર માટે તેમના ઘરેથી એમ્બ્યુલન્સ સીધી વિલે પાર્લે સ્મશાન ઘાટ પહોંચી હતી, જ્યાં અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સહિત અનેક સેલેબ્સ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
એક યુગનો અંત: કરણ જોહર સહિતના કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ
ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર ધર્મેન્દ્રના નિધન અંગે પોસ્ટ કરી લખ્યું કે, “આ એક યુગનો અંત છે… એક ખૂબ મોટો મેગા સ્ટાર… મેનસ્ટ્રીમ સિનેમામાં HEROનું સ્વરૂપ… ખૂબ જ હેન્ડસમ અને સૌથી રહસ્યમય સ્ક્રીન પ્રેઝન્સ… તે ભારતીય સિનેમાના એક સાચા લેજન્ડ છે અને હંમેશા રહેશે… સિનેમાના ઇતિહાસના પાનામાં ખાસ અને શાનદાર રીતે તેમનું અસ્તિત્વ છે.” તેમના નિધનના અગાઉ ફેલાયેલા રૂમર્સને તેમની પત્ની હેમા માલિની અને પુત્રી ઈશા દેઓલે ખોટા ગણાવ્યા હતા, જ્યારે પુત્ર સની દેઓલે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.
300થી વધુ ફિલ્મો અને અમર ડાયલોગ્સ
ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય અને સન્માનિત સિતારાઓમાંથી એક રહ્યા છે. 7 દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં, તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં ‘શોલે’, ‘ચુપકે ચુપકે’, ‘સીતા ઔર ગીતા’, ‘ધરમ વીર’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમના ડાયલોગ્સ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે, જેમાં ‘શોલે’નો ‘બંસતી ઇન કુત્તોં કે આગે મત નાચના’ સૌથી વધારે હિટ રહ્યો છે.
હવે તેમની છેલ્લી ફિલ્મ 25 ડિસેમ્બરે રિલીઝ થશે
89 વર્ષની ઉંમરે પણ ધર્મેન્દ્ર ફિલ્મોમાં સક્રિય હતા. તેઓ છેલ્લે કૃતિ સેનન અને શાહિદ કપૂરની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં જોવા મળ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ છે, જે શ્રીરામ રાઘવનના નિર્દેશનમાં બની છે. આ ફિલ્મમાં તેઓ અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાના પિતાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 25 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે. અફસોસની વાત છે કે તેમની આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ દિગ્ગજ અભિનેતાએ આ દુનિયા છોડી દીધી.