વ્હાઇટ હાઉસમાં ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ મેયર અને રિપબ્લિકન રાષ્ટ્રપતિની મુલાકાત; ટ્રમ્પે મેયરના વખાણ કર્યા

Donald Trump, Zohran Mamdani, New York Mayor, Trump Praised Mamdani,

ન્યૂ જર્સીથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો અહેવાલ – 22 નવેમ્બર 2025
વૈચારિક વિરોધાભાસ છતાં એક અણધાર્યું ગઠબંધન જોવા મળ્યું છે. વાત છે ન્યૂયોર્કના નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાની અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની. 21 નવેમ્બર 2025ના શુક્રવારના દિવસે બંને વચ્ચે વ્હાઇટ હાઉસમાં મુલાકાત થઈ. રાજકીય પંડિતો અને મીડિયાકર્મીઓ ત્યારે ચોંકી ગયા જ્યારે બંને નેતાઓ વચ્ચે રાજકીય વિરોધાભાસ જબરજસ્ત હોવા છતાં, તેઓ ન્યૂયોર્ક શહેરવાસીઓના હિત માટે અનેક બાબતો પર સહમત થયા. ઝોહરાન મમદાની એક “ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ” છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન વિચારધારાના પ્રખર નેતા છે. બે તદ્દન વિરોધી વિચારધારાના નેતાઓ વચ્ચે થયેલી આ “મિત્રતાપૂર્ણ” મુલાકાતે સૌને ચોંકાવી દીધા છે.

ટ્રમ્પ થયા પ્રભાવિત: “ન્યૂયોર્કવાસીઓના હિત માટે કામ કરશે”

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ન્યૂયોર્કના નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાનીને મળીને ખૂબ જ પ્રભાવિત થયા. મુલાકાત બાદ ટ્રમ્પે કહ્યું કે, “ઝોહરાન ન્યૂયોર્કવાસીઓના હિત માટે કામ કરશે મને તેના પર વિશ્વાસ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમે ધાર્યું હતું તેના કરતાં અમે ઘણી વધારે બાબતો પર સહમત થયા છીએ.” તેમણે મમદાનીના વિચારોને પોતાના વિચારો સાથે મળતા આવતા ગણાવ્યા. આ મુલાકાતની ફળશ્રુતિ (Outcome) રાજકીય પંડિતો માટે પણ આશ્ચર્યજનક હતી, કારણ કે ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજાના કટ્ટર વિરોધી રહેલા આ બંને નેતાઓ વચ્ચે એક અણધારી સમજૂતી જોવા મળી.

મુલાકાતની મુખ્ય બાબતો: સૌહાર્દપૂર્ણ વાતાવરણ અને સહકારની તૈયારી

ભૂતકાળમાં બંને નેતાઓએ એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતા—ટ્રમ્પે મમદાનીને “કોમ્યુનિસ્ટ” કહ્યા હતા અને મમદાનીએ ટ્રમ્પ્ને “તઘલખી શાસક” ગણાવ્યા હતા—છતાં આ બેઠક આશ્ચર્યજનક રીતે ખૂબ જ સકારાત્મક અને શાંતિપૂર્ણ રહી. આ મુલાકાતમાં મુખ્યત્વે મોંઘવારી અને જીવન ખર્ચ (Cost of Living) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ મકાન ભાડું, કરિયાણાના ભાવ અને સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ વિશે વાત કરી. ન્યૂ યોર્ક સિટીમાં ક્રાઈમ રેટ અને જાહેર સુરક્ષા (Public Safety) અંગે પણ ચર્ચા થઈ, જેમાં બંનેએ સુરક્ષા વ્યવસ્થા સુધારવા પર ભાર મૂક્યો.

વીજળીના બિલ અને હાઉસિંગ પર અણધારી સહમતિ

ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી કડવાશ ભૂલીને, ન્યૂ યોર્ક સિટીના હિત માટે બંનેએ સાથે મળીને કામ કરવાની જે તૈયારી દર્શાવી, તે બાબત અગ્રેસર રહી. ટ્રમ્પે ખાસ કરીને ઉલ્લેખ કર્યો કે તેમણે મમદાની સાથે વીજળી કંપની ‘Con Edison’ ના વધતા દરો ઘટાડવા પર વાત કરી અને બંને આ બાબતે સહમત થયા કે લોકોને રાહત મળવી જોઈએ. હાઉસિંગ અને ભાડા અંગે પણ શહેરમાં નવા મકાનો બાંધવા અને ભાડા ઘટાડવા માટે બંનેએ સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી.

ટ્રમ્પનો ‘યુ-ટર્ન’: સહકારનો માર્ગ મોકળો

સૌથી મોટું આશ્ચર્યજનક પરિણામ એ આવ્યું કે અગાઉ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો મમદાની જીતશે તો તેઓ ન્યૂ યોર્કનું ફંડ અટકાવી દેશે. પરંતુ આ મીટિંગ પછી ટ્રમ્પે યુ-ટર્ન લેતા કહ્યું કે તેઓ મેયરને મદદ કરશે અને તેમને સફળ થતા જોવા માંગે છે. આ મુલાકાત સાબિત કરે છે કે બંને નેતાઓએ પોતાની રાજકીય વિચારધારા (કેપિટલિઝમ વિરુદ્ધ સોશિયાલિઝમ) ને બાજુ પર મૂકીને ન્યૂ યોર્કના નાગરિકોના હિતને પ્રાધાન્ય આપ્યું છે. ટૂંકમાં, ટ્રમ્પ અને મમદાની વચ્ચે સંઘર્ષને બદલે “સહકાર” નો માર્ગ ખૂલ્યો છે.