‘ડંકી રૂટ’ના નામે ઓસ્ટ્રેલિયા જવાની લાલચમાં ફસાયેલા બાપુપુરાના યુવકો ખંડણીખોરોના કબજામાંથી મુક્ત; નગ્ન કરીને માર મારવાનો વીડિયો થયો હતો વાયરલ

અમદાવાદ/ગાંધીનગર: ગેરકાયદેસર વિદેશ જવાની ઘેલછામાં ઇરાનના પાટનગર તહેરાન ખાતે બંધક બનાવાયેલા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર ગુજરાતીઓ સુરક્ષિત વતન પરત ફર્યા છે. ભારત સરકારની સઘન કવાયત બાદ આ ચારેય લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે, જ્યાં તેમના પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ખંડણીખોરોના ત્રાસમાંથી મુક્તિ

મુક્ત કરાયેલા ચાર ગુજરાતીઓની ઓળખ પ્રિયા ચૌહાણ (મહિલા), અજય ચૌધરી, અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરી તરીકે થઈ છે. આ ચારેય યુવકો દિલ્હીના એજન્ટ મારફતે ગેરકાયદેસર રીતે ઓસ્ટ્રેલિયા જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અપહરણકર્તાઓએ તેમને તહેરાનના ઇમામ ખામેનીની ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક્સીમાં અપહરણ કરી, એક અજાણી હોટલમાં બંધક બનાવ્યા હતા.

આ ગેંગે યુવકોને નગ્ન કરીને હાથ-પગ બાંધી શારીરિક ત્રાસ આપ્યો હતો અને આ ક્રૂરતાનો વીડિયો પરિવારજનોને મોકલીને રૂ. ૨ કરોડની જંગી ખંડણીની માંગણી કરી હતી. વીડિયોમાં યુવકો “હવે સહન થતું નથી” તેમ કહી મદદની આજીજી કરી રહ્યા હતા.

સરકારી તંત્રની ત્વરિત કાર્યવાહી

આ ગંભીર માનવ તસ્કરીના કિસ્સા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં લીધાં હતાં. માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને મદદની માંગણી કરવામાં આવી હતી.

  • સઘન કવાયત: વિદેશ મંત્રાલયે આ મામલે તપાસ શરૂ કરી હતી અને ભારતીય દૂતાવાસ સતત ઈરાન સરકારના સંપર્કમાં રહીને મુક્તિની કાર્યવાહી કરાવી હતી.
  • ગામલોકોમાં રાહત: બાપુપુરા ગામના સરપંચ પ્રકાશ ચૌધરીએ માહિતી આપી કે, “અમે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી હતી. તેમના પ્રયાસોથી અમારા બાળકો પરત આવી રહ્યા છે. આ સમાચારથી પરિવારજનો અને સમગ્ર સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે.”

હવે એજન્ટો સામે તપાસનો ધમધમાટ

આ ચારેય લોકોને સફળતાપૂર્વક મુક્ત કરાવી દેવાયા હોવા છતાં, તેમને ઓસ્ટ્રેલિયા મોકલનાર અને ઈરાન સુધી પહોંચાડનાર એજન્ટોની વિગતો હજુ સામે આવી નથી. માનવ તસ્કરીના આ નેટવર્કને પકડવા માટે હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, જેથી ગેરકાયદેસર વિદેશ જવાના ચક્કરમાં અન્ય યુવકો ભોગ ન બને.