રૂ. ૨ કરોડની ખંડણીની માંગણી, ઢોર માર મારતો વીડિયો વાઇરલ થયો, માણસાના બાપુપુરા ગામના ચાર લોકો ડંકી રૂટ મારફતે ઓસ્ટ્રેલિયા આવવા નીકળ્યા હતા
પતિ-પત્ની સહિત અન્ય બે યુવાનોનું અપહરણ
ગાંધીનગર/તહેરાન: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર યુવકોના આંતરરાષ્ટ્રીય અપહરણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયા જવાની લાલચમાં નીકળેલા આ ચારેય યુવકોને ઈરાન (તહેરાન)માં એક ગેંગ દ્વારા બંધક બનાવીને પરિવાર પાસેથી બે કરોડ રૂપિયાની જંગી ખંડણીની માંગણી કરવામાં આવી છે.
અપહરણ કરાયેલા ગુજરાતીઓ અને મુસાફરીનો રૂટ
અપહરણ કરાયેલા ચાર લોકોમાં અજય (પતિ), પ્રિયા (પત્ની), અનિલ અને નિખિલનો સમાવેશ થાય છે, જેમની ઉંમર આશરે ૨૫ વર્ષની આસપાસ છે. ઉપલબ્ધ માહિતી મુજબ, ટ્રાવેલ હેન્ડલર્સ દ્વારા તેમને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી Fly Emirates દ્વારા તેઓ બેંગકોક, દુબઈ અને છેલ્લે ઈરાનના તહેરાન એરપોર્ટ પહોંચ્યા હતા. જોકે, એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.
ખંડણી માટે શારીરિક ત્રાસ: ‘બાબા’ દ્વારા ધમકી
અપહરણકર્તાઓએ, જેમાં પોતાને ‘બાબા’ તરીકે ઓળખાવનાર એક વ્યક્તિએ, ગુજરાતમાં પીડિત પરિવારોનો સંપર્ક કર્યો અને ₹૨ કરોડની ખંડણી માંગી. પરિવારોને એક અત્યંત ડિસ્ટર્બિંગ વીડિયો મોકલવામાં આવ્યો હતો, જેમાં બંધક બનાવેલા યુવકોને નિર્વસ્ત્ર, બાંધેલા અને જમીન પર મોં રાખીને સૂવડાવેલા જોઈ શકાય છે. તેમના શરીર પર માર મારવાના નિશાન અને લાલ ડાઘા સ્પષ્ટ દેખાતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરિવારોએ ખંડણીના ભાગરૂપે અગાઉથી જ આશરે ₹૪૦ લાખ જેટલી રકમ આપી દીધી છે.
ધારાસભ્ય જે. એસ. પટેલે અમિત શાહને લખ્યો પત્ર
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ માણસાના ધારાસભ્ય જયંતિ પટેલએ તાત્કાલિક પગલાં લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. ધારાસભ્ય પટેલે જણાવ્યું કે, “મેં તરત જ આ મુદ્દો ઉઠાવ્યો છે, જેથી કેન્દ્ર સરકાર તાત્કાલિક આ બાબતને હાથ ધરી શકે અને અપહરણ કરાયેલા ગ્રામજનોની સુરક્ષિત વાપસી માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સંકલન કરી શકે.”

એજન્ટોની સંડોવણીની શંકા
સૂત્રોએ સંકેત આપ્યો છે કે આ કેસમાં સ્થાનિક ટ્રાવેલ એજન્ટ અને દિલ્હી સ્થિત અન્ય એક એજન્ટની સંડોવણી હોઈ શકે છે. દિલ્હી સ્થિત એજન્ટની અપહરણ ગેંગ સાથે કડી હોવાની શંકા છે. હાલ ભારતીય દૂતાવાસ ઈરાનમાં આ મામલે તપાસ કરી રહ્યું છે, જ્યારે પીડિત પરિવારોએ સરકાર ઝડપથી કાર્યવાહી કરે તેવી આજીજી કરી છે.
જુલાઇ 2023માં પણ આ જ રીતે ગુજરાતીઓ ફસાયા હતા ઇરાનમાં
જુલાઈ 2023માં બનેલી આવી જ એક ઘટનામાં ઈન્ડિયાથી ડોન્કી રૂટથી અમેરિકા જવા નીકળેલા એક ગુજરાતી કપલને ઈરાનમાં કિડનેપ કરી ટોર્ચર કરવામાં આવ્યું હતું અને તેમના એજન્ટ પાસેથી પણ મોટી રકમની ડિમાન્ડ કરવામાં આવી હતી. માણસાના જે ચાર લોકોને હાલ ઈરાનમાં બંધક બનાવાયા છે તેઓ ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે, પરંતુ તેમને કયા વિઝા પર ઓસ્ટ્રેલિયા મોકલાઈ રહ્યા હતા તેની કોઈ ચોખવટ હજુ સુધી નથી થઈ શકી.
મે 2025માં પંજાબના યુવાનો પણ ‘ડંકી રૂટ’ના નામે અપહરણ થયા હતા
માનવ તસ્કરી માટે કુખ્યાત બનેલા ‘ડંકી રૂટ’ દ્વારા ઓસ્ટ્રેલિયા જવાનો પ્રયાસ કરતા ભારતીય યુવકો ઈરાનમાં બંધક બન્યા હોય તેવો આ પહેલો કિસ્સો નથી. ભૂતકાળમાં, પંજાબના સંગરૂર, નવાંશહર અને હોશિયારપુર જિલ્લાના ત્રણ યુવકોને પણ ટ્રાવેલ એજન્ટોએ ગેરમાર્ગે દોરીને ઈરાન મોકલ્યા હતા. ત્યાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમના પરિવારજનો પાસેથી ખંડણીની માંગણી કરવામાં આવી હતી. ઈરાની પોલીસે રાજદ્વારી હસ્તક્ષેપ બાદ આ પંજાબી યુવકોને બચાવ્યા હતા. આ કિસ્સો દર્શાવે છે કે વિદેશમાં ગેરકાયદેસર રીતે જવાના પ્રયાસમાં ભારતીય યુવકો કઈ રીતે આંતરરાષ્ટ્રીય ગુનેગાર ગેંગના શિકાર બની રહ્યા છે.