વધુ એકવાર ભારતીય મૂળના બાળકની ઇન્ટરનેશનલ મેચમાં ‘ANZ ટોસ કોઇન કિડ’ તરીકે પસંદગી; રચિન રવિન્દ્રની જેમ કિવી ક્રિકેટર બનવાનું અક્ષર પટેલનું સ્વપ્ન


નમસ્કાર ગુજરાત ન્યૂઝ. માઉન્ટ મોંગાનુઇ: ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે માઉન્ટ મોંગાનુઇ ખાતે રમાયેલી પ્રથમ વન-ડે મેચ ગુજરાતી મૂળના એક કિવી ઇન્ડિયન બાળક માટે જીવનનો યાદગાર પ્રસંગ બની રહી. માત્ર ૯ વર્ષની વયના અક્ષર પટેલને મેચના પ્રારંભે એક અનોખું સન્માન પ્રાપ્ત થયું.
ANZ ટોસ કોઇન કિડ તરીકે પસંદગી
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ એસોસિયેશન દ્વારા ANZ બેંકના સહયોગથી ચાલતા ‘ANZ ટોસ કોઇન કિડ’ ઇનિશિયેટિવ હેઠળ અક્ષરને બંને ટીમના કેપ્ટન સાથે મેચ પહેલા ટોસ ઉછાળતી વખતે હાજર રહેવાની તક મળી હતી. આ પહેલ હેઠળ નાના ક્રિકેટ ચાહકોને તેમના ક્રિકેટ હીરો સાથે મળવાનો અવસર મળે છે.
ફ્રુટવેલ સ્કૂલમાં ભણતા અક્ષરને ન્યૂઝીલેન્ડના કેપ્ટન મીચેલ સેન્ટનર અને ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક (જેણે મેચમાં શતક ફટકાર્યું) સાથે પીચ પર ઊભા રહેવાની તક મળી હતી. નાની ઉંમરે આ સિદ્ધિ મેળવવાથી અક્ષરનો પરિવાર સહિત માતા પિતા શ્રદ્ધા અને ભૂમિત પટેલ ખૂબ જ ખુશ અને આનંદની લાગણીથી છવાયેલો હતો.
ક્રિકેટ પ્રેમ અને ભવિષ્યની પ્રેરણા
અક્ષર નાનપણથી જ ક્રિકેટનો શોખીન છે અને જુનિયર લેવલે રમે છે. તેના પિતા ભૂમિત પટેલે જણાવ્યું કે મેચ પહેલા તે થોડો નર્વસ હતો, પરંતુ આ અનુભવ તેને હંમેશા યાદ રહેશે અને ક્રિકેટ પ્રત્યે વધુ પ્રેરણા આપતો રહેશે.
ટોસ પહેલા અક્ષરે પોતાના પિતાને કહ્યું હતું કે તે આ સન્માનથી ખૂબ ખુશ છે અને મોટો થઈને તે તેના ફેવરિટ ક્રિકેટર રચિન રવિન્દ્ર સાથે ક્રિકેટ રમવા ઈચ્છે છે. રચિનની બેટિંગ ગમતી હોવાથી અક્ષરે રચિન કેવી રીતે ક્રિકેટર બન્યો તે અંગે પણ ઇન્ટરનેટ પર રિસર્ચ કર્યું છે.
અક્ષરના પિતાએ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના આ પ્રેરણાદાયી પગલાને બિરદાવ્યું હતું, જે નાના બાળકોને બાળપણથી જ પ્રેરણા આપીને રમત પ્રત્યે પ્રોત્સાહિત કરે છે.
ANZ ટોસ કોઇન કિડ્સ: અન્ય ભારતીય મૂળના બાળકો પણ સન્માનિત
‘ANZ ટોસ કોઇન કિડ’ કાર્યક્રમ હેઠળ ભૂતકાળમાં અન્ય ભારતીય મૂળના બાળકોને પણ આ સન્માન મળ્યું છે:
- હેમિલ્ટન વેસ્ટ સ્કૂલની શનાયા પટેલ (9 વર્ષીય)ને પણ આ સન્માન મળ્યું હતું.
- નિલય અને ટીનાના 7 વર્ષીય પુત્ર નિર્માણ રાવલની પસંદગી પણ 2019માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં માઉન્ટ મોંગાનુઇ ખાતે થઈ હતી.
- એટલું જ નહીં, નિર્માણની બહેન હન્નાની પસંદગી પણ 2019માં ભારત વિરુદ્ધની મેચમાં માઉન્ટ મોંગાનુઇ ખાતે થઈ હતી.
- ક્રાઇસ્ટચર્ચના હેલ્સવેલ ક્રિકેટ ક્લબ માટે રમતા 7 વર્ષીય ઈશાન લાંબાને પણ ‘ANZ ટોસ કોઇન કિડ’ બનવાનો યાદગાર મોકો મળ્યો હતો.





કેવી રીતે બની શકો છો ટોસ કોઇન કીડ
આ કાર્યક્રમમાં પ્રવેશ મેળવવા માટેની શરતો ANZ Coin Toss Kid terms and conditions પર ઉપલબ્ધ છે.