વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયએ ઘટનાને રાષ્ટ્રીય અપમાન ગણાવી; ઓસ્ટ્રેલિયન ટીમની ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી

Australian Women’s team molested : ઇન્દોર: ભારત અને શ્રીલંકાની યજમાનીમાં યોજાઈ રહેલા મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫ દરમિયાન ઈન્દોરમાં દેશને શરમજનક સ્થિતિમાં મૂકતી એક ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની બે ખેલાડીઓ સાથે ઈન્દોરમાં જાહેરમાં છેડતી થઈ હોવાનું સામે આવ્યું છે.

ઓસ્ટ્રેલિયન સિક્યુરિટી મેનેજરે નોંધાવી ફરિયાદ

આ મામલામાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમના સિક્યુરિટી મેનેજર ડેની સિમન્સે ગુરુવારની સાંજે જ M.I.G. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના ૨૩ ઓક્ટોબરના રોજ સવારે લગભગ ૧૧ વાગ્યે બની હતી, જ્યારે બંને ખેલાડીઓ ખજરાના રોડ પર આવેલી હોટેલ રેડિસન બ્લૂથી એક નજીકના કાફે તરફ ચાલીને જઈ રહી હતી. તે સમયે મોટરસાઇકલ પર આવેલા એક વ્યક્તિએ તેમની છેડતી કરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપ્યો

ફરિયાદ મળ્યા બાદ પોલીસે તુરંત કાર્યવાહી કરી અને રોડ પરના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. પોલીસે આરોપી અકીલ ખાનને ઝડપી પાડ્યો છે. આરોપીને છેડછાડ કરવા, ખોટી રીતે સ્પર્શ કરવા અને પીછો કરવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો છે.

કૈલાશ વિજયવર્ગીયની આકરી પ્રતિક્રિયા

આ ઘટનાની જાણ થતાં ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ ઘટનાને દેશના સન્માન સાથે જોડીને કહ્યું હતું કે મહેમાન ખેલાડીઓ સામે આવું વર્તન સહન કરવામાં આવશે નહીં, અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.