કેલિફોર્નિયામાં માર્ગ અકસ્માત: 21 વર્ષીય જશનપ્રીત સિંહની ધરપકડ; ફ્રેટલાઇનર ટ્રક-ટ્રેલર કોમ્બિનેશનના ડેશકૅમમાં કેદ થયો, બાઇડેન પ્રશાસનની ‘ડિટેન્શનના વિકલ્પો’ નીતિ પર ફરીથી સવાલ

illegal immigrant in USA : અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં એક ભયાનક સેમી-ટ્રક અકસ્માતમાં ત્રણ લોકોના મોત માટે 21 વર્ષીય ભારતીય યુવક પર આરોપ મૂકવામાં આવ્યો છે, જે અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ તરીકે રહેતો હતો. યુએસ સમાચાર અહેવાલો મુજબ, આ યુવકની ઓળખ જશનપ્રીત સિંહ તરીકે થઈ છે. સાન બર્નાર્ડિનો કાઉન્ટીના ફ્રીવે પર ધીમી ગતિએ ચાલતા ટ્રાફિકમાં તેણે પોતાની મોટી ટ્રક ઘૂસાડી દીધી હતી, જેના પગલે નશાની હાલતમાં વાહન ચલાવવા બદલ ગંભીર માનવવધના (gross vehicular manslaughter while intoxicated) આરોપ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે.

અકસ્માતનો આ બનાવ સિંહની ફ્રેટલાઇનર ટ્રક-ટ્રેલર કોમ્બિનેશનના ડેશકૅમમાં કેદ થયો હતો, જેમાં ટ્રકે એક એસયુવીને ટક્કર મારી હતી, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે સિંહ ડ્રગ્સના પ્રભાવ હેઠળ હતો, અને ટ્રાફિક જામમાં ધડાકાભેર અથડાવતા પહેલા તેણે બ્રેક લગાવી ન હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેના ટોક્સિકોલોજી પરીક્ષણો દ્વારા આ વાતની પુષ્ટિ થઈ છે. સીએચપી ઓફિસર રોડ્રિગો જિમેનેઝે જણાવ્યું હતું કે, “તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબી સ્ટાફ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી, અને અમારા અધિકારીઓએ નિશ્ચિત કર્યું કે તે ડ્રગ્સના પ્રભાવ હેઠળ વાહન ચલાવી રહ્યો હતો.”

હાલમાં મૃત્યુ પામેલા ત્રણ લોકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ઘાયલોમાં જશનપ્રીત સિંહ પોતે અને એક મિકેનિકનો સમાવેશ થાય છે, જે ઘટનાસ્થળે એક વાહનના ટાયર બદલવામાં મદદ કરી રહ્યો હતો. આ ઘટના પછી, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ પણ પુષ્ટિ કરી છે કે સિંહ પાસે અમેરિકામાં કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ નથી. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (USICE) એ તેની ધરપકડ બાદ તેની સામે ઇમિગ્રેશન ડિટેનર પણ દાખલ કર્યો છે.

આ ઘટના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ટ્રક ડ્રાઇવરો દ્વારા થયેલા અકસ્માતોની શ્રેણીમાં નવીનતમ છે. અગાઉ, ઓગસ્ટ મહિનામાં હરજિન્દર સિંહ નામના એક ભારતીય ઇમિગ્રન્ટ પર ફ્લોરિડામાં એક અકસ્માત સર્જવાનો આરોપ લાગ્યો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. હરજિંદર સિંહ 2018 માં ગેરકાયદેસર રીતે યુએસ સરહદ પાર કરીને કેલિફોર્નિયામાં કોમર્શિયલ ડ્રાઇવર લાઇસન્સ મેળવ્યું હતું.