યુદ્ધવિરામનો ભંગ કરી હુમલો: અફઘાનિસ્તાને PAK સાથેની આગામી T20 સીરિઝમાંથી ખસી જવાનો નિર્ણય લીધો, રાશિદ ખાને ગણાવ્યું ‘બર્બર’ કૃત્ય

Pakistan Afghanista War : પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનના 3 યુવા ક્રિકેટરો સહિત કુલ આઠ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય સાત લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનની આ કાર્યવાહી બાદ અફઘાનિસ્તાનમાં શોક અને ગુસ્સાનો માહોલ છે. આ ઘટના બાદ અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને (Rashid Khan) આક્રોશ વ્યક્ત કર્યો છે.
રાશિદ ખાનની આકરી પ્રતિક્રિયા
રાશિદ ખાને આ ઘટનાને “બર્બર, અનૈતિક અને અમાનવીય” ગણાવીને પાકિસ્તાનની સખત નિંદા કરી હતી.
- માનવ અધિકારોનું ઉલ્લંઘન: રાશિદ ખાને જણાવ્યું કે, “નાગરિકો અને યુવા ખેલાડીઓને નિશાન બનાવવું કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આ માનવાધિકારોનું ઘોર ઉલ્લંઘન છે.”
- X (પૂર્વ ટ્વિટર) પર પોસ્ટ: તેમણે લખ્યું, “હું પાકિસ્તાની હવાઈ હુમલામાં નાગરિકોની જાન ગુમાવવાની ઘટનાથી ખૂબ જ દુઃખી છું. આ એક દુર્ઘટના છે, જેમાં મહિલાઓ, બાળકો અને તે યુવા ક્રિકેટરોની જાન ગઈ, જેઓ વિશ્વ સ્તરે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું જોતા હતા.”
- અનૈતિક કૃત્ય: તેમણે વધુમાં લખ્યું કે, “સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નિશાન સાધવું સંપૂર્ણપણે અનૈતિક અને બર્બર છે. આ અન્યાયી અને ગેરકાયદેસર કૃત્યો માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે અને તેને અવગણવા ન જોઈએ.”
ક્રિકેટ બોર્ડનો નિર્ણય: T20 સીરિઝમાંથી ખસી જવાનો એલાન
પાકિસ્તાનના આ હુમલામાં જે 3 ક્રિકેટરોએ જીવ ગુમાવ્યા તેમાં કબીર, સિબગાતુલ્લા અને હારૂન નો સમાવેશ થાય છે. આ દુર્ઘટના બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ તાત્કાલિક કાર્યવાહી કરી:
- ACBનો નિર્ણય: અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આવતા મહિને (નવેમ્બરમાં) અફઘાનિસ્તાન, શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ત્રિકોણીય T20 સિરીઝમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. રાશિદ ખાને પણ ક્રિકેટ બોર્ડના આ નિર્ણયને સમર્થન આપ્યું છે.