20 વર્ષ પછી પહેલીવાર બંને પક્ષો બરાબર બેઠકો પર, ચિરાગ પાસવાનની LJP(R) 29 સીટ સાથે બાજી મારી, NDAના અન્ય બે સહયોગી પક્ષોને 6-6 બેઠકો મળી

NDA Seat Sharing :
પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ લાંબી વાતચીત બાદ આખરે સીટ વહેંચણીની જાહેરાત કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા જાહેર કરાયેલા ફોર્મ્યુલા મુજબ, ભારતીય જનતા પાર્ટી (BJP) અને નીતીશ કુમારની જનતા દળ (યુનાઇટેડ) – JDU બંને પક્ષો 101-101 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે.
બંને મુખ્ય પક્ષો સમાન સીટ પર: બિહારની રાજનીતિમાં 20 વર્ષ પછી આ પહેલીવાર બન્યું છે કે JDU, ગઠબંધનમાં BJP કરતાં વધુ બેઠકો પર ચૂંટણી નહીં લડે. આ જાહેરાત સૂચવે છે કે ગઠબંધનમાં હવે BJP અને JDU ‘જોડિયા ભાઈઓ’ની ભૂમિકામાં છે.
ચિરાગ પાસવાનનું પલડું ભારે: સીટ વહેંચણીમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના નેતૃત્વવાળી લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) – LJP(R) એ જોરદાર સફળતા મેળવી છે, જેણે 29 બેઠકો મેળવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 40થી વધુ બેઠકોની માંગ પર અડેલા ચિરાગ પાસવાનને મનાવવામાં BJP સફળ રહી છે, અને તેમને તેમની મનપસંદ ત્રણ બેઠકો (હિસુઆ, ગોવિંદગંજ અને બ્રહ્મપુર) પણ મળી છે.
અન્ય સહયોગી પક્ષોની સ્થિતિ: NDAના અન્ય બે સહયોગી પક્ષોને 6-6 બેઠકો મળી છે:
- જીતનરામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોરચા (HAM): 6 બેઠકો
- ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા (RLM): 6 બેઠકો
ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે તમામ સહયોગીઓએ સૌહાર્દપૂર્ણ રીતે આ પ્રક્રિયા પૂર્ણ કરી છે અને બિહાર વધુ એક NDA સરકાર માટે તૈયાર છે. બીજી તરફ, જીતનરામ માંઝીએ ભાજપના નિર્ણયનો સ્વીકાર કર્યો હોવા છતાં, તેમની પાર્ટીને ઓછું આંકવામાં આવ્યું હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
વિપક્ષી ‘મહાગઠબંધન’ની તૈયારી: બિહારમાં વિપક્ષી ‘મહાગઠબંધન’ (RJD અને કોંગ્રેસ)માં પણ સીટ વહેંચણીની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે નવા સહયોગીઓને સમાવવાના કારણે વિલંબ થયો છે, પરંતુ આગામી બે-ત્રણ દિવસમાં અંતિમ નિર્ણય જાહેર થવાની સંભાવના છે.