ટેનેસી રાજ્યમાં હમફ્રી કાઉન્ટીની ફેક્ટરીમાં મોટી દુર્ઘટના; શેરીફે દૃશ્યને ‘સૌથી ભયાનક’ ગણાવ્યું, તપાસ શરૂ,
અમેરિકાના ટેનેસી રાજ્યમાં આવેલી એક સૈન્ય મ્યુનિશન (વિસ્ફોટક) ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આ દુર્ઘટનામાં 19 લોકો લાપતા છે અને તેમની મૃત્યુની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હમફ્રી કાઉન્ટીના શેરિફ ક્રિસ ડેવિસે આ ઘટનાને પોતાના કાર્યકાળનું સૌથી ભયાનક દૃશ્ય ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે તેમની ટીમ સતત બચાવ કાર્યમાં વ્યસ્ત છે અને લાપતા લોકોના પરિવારો સાથે વાતચીત કરી રહી છે. આ ઘટનાને અત્યંત દુઃખદ અને વિનાશકારી ગણવામાં આવી છે.
ધમાકાનું કારણ અકબંધ, તપાસમાં સમય લાગશે
શેરિફે હાલમાં મલબા નીચેથી કોઈ મૃતદેહની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ વિસ્ફોટની તીવ્રતા જોતાં અધિકારીઓ દ્વારા અનેક લોકોના મૃત્યુની આશંકા છે. વિસ્ફોટના ચોક્કસ કારણોનો હજુ સુધી ખુલાસો થયો નથી.
શરૂઆતની તપાસમાં, ફેક્ટરીમાં વિસ્ફોટક સામગ્રીનું અયોગ્ય સંગ્રહણ અથવા કોઈ તકનીકી ખામીને કારણે આ દુર્ઘટના થઈ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. શેરિફ ક્રિસ ડેવિસે જણાવ્યું કે તપાસ એજન્સીઓ સ્થળ પર હાજર છે અને પૂરી તપાસમાં ઘણા દિવસો લાગી શકે છે.
ધમાકો માઈલો દૂર સુધી અનુભવાયો
સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ અને આંચકો અનેક માઈલ દૂર સુધી અનુભવાયો હતો. ઘટનાસ્થળે ફાયર ફાઈટર્સ અને બચાવ ટીમો સતત કામ કરી રહી છે. સુરક્ષા કારણોસર આસપાસના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.
હમફ્રી કાઉન્ટી ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા ગ્રે કોલિયરે માહિતી આપી કે હવે આગળ કોઈ અન્ય વિસ્ફોટનો ખતરો નથી, અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી છે. એક અધિકારીએ આ દુર્ઘટનાને એક મોટી કરૂણાંતિકા ગણાવી છે, જેણે આખા સમુદાયને હચમચાવી દીધો છે.