શું ટ્રમ્પ ‘ઇતિહાસના સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર’ છે? નોર્વેની કમિટી 50 વર્ષ સુધી ગુપ્ત રહેતા નિયમોના આધારે આજે નિર્ણય લેશે

વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લ, ન્યૂ જર્સી
Nobel Peace Award : આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ચર્ચામાં છે, પરંતુ સૌ કોઈને એ જાણવાની ઉત્સુકતા છે કે આ નિર્ણય કેવી રીતે લેવાય છે?
નોબેલ કમિટીની કાર્યપ્રણાલી
પાંચ સભ્યોની નોર્વેજિયન નોબેલ કમિટી, જે નોર્વેની સંસદ દ્વારા નિયુક્ત થાય છે, તે ઓસ્લોના નોબેલ ઇન્સ્ટિટ્યૂટના ખાસ રૂમમાં બેસે છે. આ રૂમમાં ૧૯૦૧થી એક જ ઝુમ્મર અને ઓક ફર્નિચર છે, અને દિવાલો પર દરેક શાંતિ વિજેતાના ફોટા લાગેલા છે. જાહેરાતના ચાર દિવસ પહેલાં, સોમવારે, કમિટી બેઠક શરૂ કરે છે. કમિટીના અધ્યક્ષ જોર્જેન વટને ફ્રાયડનેસ કહે છે કે, “અમે ચર્ચા કરીએ છીએ, દલીલો કરીએ છીએ, પણ સભ્યતાથી, અને સર્વસંમતિ દ્વારા નિર્ણય લેવાનો પ્રયાસ કરીએ છીએ.”
આ પુરસ્કાર આલ્ફ્રેડ નોબેલની ૧૮૯૫ની વસિયત અનુસાર આપવામાં આવે છે, જે રાષ્ટ્રો વચ્ચે ભાઈચારો, સૈન્યમાં ઘટાડો અને શાંતિ સંમેલનોને પ્રોત્સાહન આપનાર વ્યક્તિ કે સંસ્થાને મળે છે.
ટ્રમ્પની દાવેદારી અને નિષ્ણાતોનો અભિપ્રાય
ડોનાલ્ડ ટ્રમ્પ આ પુરસ્કારની ખૂબ ચર્ચા કરે છે. તેમણે દાવો કર્યો છે કે, “મેં સાત યુદ્ધોનો ઉકેલ લાવ્યો, શાંતિ સ્થાપિત કરી, અને એટલે હું નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માટેનો હકદાર છું.”
ઇઝરાયેલના નેતા બેન્જામિન નેતન્યાહુ, અઝરબૈજાનના રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન સરકારે ટ્રમ્પનું નામાંકન કર્યું હોવાનું જાહેર કર્યું છે. ટ્રમ્પના પોતાના સહયોગી સ્ટીવ વિટકોફે પણ તેમને “ઇતિહાસના સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર” ગણાવ્યા હતા. પરંતુ ફ્રાયડનેસ કહે છે, “દર વર્ષે હજારો લોકો અમને નામ સૂચવે છે. આ દબાણ નવું નથી. અમે મજબૂત અને સૈદ્ધાંતિક નિર્ણય લઈએ છીએ.”
નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પની જીત મુશ્કેલ છે. PRIO શાંતિ સંશોધન સંસ્થાના ડિરેક્ટર નીના ગ્રેગર જણાવે છે કે ટ્રમ્પે WHO અને પેરિસ ક્લાઇમેટ એકોર્ડ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી ખસી જવું અને પ્રદર્શનો પર પ્રતિબંધ જેવી નીતિઓ શાંતિની દિશામાં નથી.
જોકે, ૨૦૨૫ના નામાંકનો ૩૧ જાન્યુઆરીએ બંધ થયા હતા, જ્યારે ટ્રમ્પ હમણાં જ સત્તામાં આવ્યા હતા. ગ્રેગર માને છે કે જો ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના સફળ થશે, જેનો પ્રથમ તબક્કો ગુરુવારે જાહેર થયો, તો આગામી વર્ષે તેઓ મજબૂત દાવેદાર હોઈ શકે છે.
ઓસ્લો યુનિવર્સિટીમાં યુદ્ધ, શાંતિ અને નોબેલ પુરસ્કારના અભ્યાસક્રમમાં શામેલ વિદ્યાર્થીઓનું માનવું છે કે આ પુરસ્કાર નમ્રતા અને માનવતા માટે હોવો જોઈએ. થાનોસ મરિઝિસ, એક ગ્રીક વિદ્યાર્થી, કહે છે, “આ પુરસ્કાર માનવતાના લાભ માટે શાંતિની શોધની ઓળખ છે, નહીં કે વ્યક્તિગત ફાયદા માટે.”
પુરસ્કાર અને ગુપ્તતા
વિજેતાને મેડલ, ૧૧ મિલિયન સ્વીડિશ ક્રાઉન (લગભગ ૧.૧૯ મિલિયન ડોલર) અને વૈશ્વિક નામના મળે છે. નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત ઓસ્લોમાં થશે, અને સમારંભ ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ઓસ્લો સિટી હોલમાં યોજાશે. નોબેલ શાંતિ પુરસ્કાર માટેના નામાંકનો અને ચર્ચાઓની વિગતો ૫૦ વર્ષ સુધી ગુપ્ત રહે છે. જો ટ્રમ્પને જાણવું હોય કે તેમનું નામાંકન કોણે કર્યું હતું અથવા તેમનો વિરોધ કોણે કર્યો હતો, તો તેમણે પચાસ વર્ષ સુધી રાહ જોવી પડશે!