Canadaના વડાપ્રધાન કાર્નીએ કહ્યું કે ટૂંક સમયમાં ‘બહેતર સ્કીમ’ લાવવામાં આવશે, અમેરિકાના H1B વિઝા ધારકો સામેના આકરા પગલાનો ફાયદો લેવા કેનેડા આતુર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વીઝા પર 1 લાખ ડૉલર (લગભગ 83 લાખ રૂપિયા)નો નવો ટેરિફ (ફી) લગાવવાના નિર્ણયથી વિશ્વભરના કુશળ કામદારો માટે યુએસ જવું મુશ્કેલ બની ગયું છે. આ પરિસ્થિતિનો લાભ લેવા માટે કેનેડાએ ઝડપથી પગલાં લેવાનું શરૂ કર્યું છે.
કેનેડિયન વડા પ્રધાન માર્ક કાર્નીએ શનિવારે લંડનમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, તેઓ અમેરિકામાં કામ કરતા ટેકનોલોજી સેક્ટરના એવા લોકોને કેનેડા બોલાવવા માંગે છે, જે હવે વીઝા ફી વધવાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
કેનેડા લાવશે ‘બહેતર સ્કીમ’
પીએમ કાર્નીએ જણાવ્યું કે કેનેડા સરકાર પોતાની ઇમિગ્રેશન નીતિની સમીક્ષા કરી રહી છે અને આવા કુશળ લોકોને પોતાના દેશમાં બોલાવવાની યોજના બનાવી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, તેમની સરકાર ટૂંક સમયમાં જ એક બહેતર યોજના (Better Scheme) લાવશે, જેનાથી કુશળ પ્રોફેશનલ્સને કેનેડામાં સ્થળાંતર કરવામાં સરળતા રહેશે.
નિષ્ણાતોનો મત: અમેરિકાના બદલે હવે કેનેડાની પસંદગી
ટોરન્ટોની ફર્મ ‘પૈસેજ’ના સીઇઓ માર્ટિન બસિરીના મતે, જે લોકો H-1B દ્વારા અમેરિકા જવાનું આયોજન કરી રહ્યા હતા, તેઓ હવે કેનેડા તરફ વળશે.
બસિરીએ કહ્યું કે મધ્યમ શ્રેણીના વેપારીઓ, જેઓ 1 લાખ ડૉલરનો ટેક્સ ચૂકવી શકતા નથી, તેઓ કેનેડામાં પોતાની ઓફિસ ખોલી શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “હવે કેનેડા પાસે તક છે કે આ હાઈ સ્કિલ્ડ (High Skilled) લોકો માટે નવી સ્કીમ લઈને આવે.”
જર્મની અને બ્રિટન માટે પણ તક
ટ્રમ્પના આ આદેશથી એ અમેરિકન કંપનીઓ અને પ્રતિભાઓમાં નિરાશા ફેલાઈ છે જેઓ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, એન્જિનિયરિંગ અને અન્ય ભૂમિકાઓમાં અમેરિકામાં પોતાનું ભવિષ્ય જોઈ રહ્યા હતા.
ટ્રમ્પના આ નિર્ણયને કારણે જર્મની અને બ્રિટન જેવા દેશો પણ હવે કુશળ કારીગરોને પોતાના દેશમાં આકર્ષિત કરવા માટે ઉત્સુક બન્યા છે. બંને દેશો પણ આ કુશળ વ્યાવસાયિકોને તેમની તરફ લાવવા માટે યોજનાઓ બનાવી રહ્યા છે.