ઓકલેન્ડ એરપોર્ટ પર ક્વોન્ટાસ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ: ઓસ્ટ્રેલિયાથી આવેલી ફ્લાઇટમાં આગ લાગવાના સમાચાર, સિડનીથી આવેલી ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતરી; કટોકટી સેવાઓ એલર્ટ પર

ઓકલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Auckland International Airport) પર શુક્રવારે બપોર પહેલાં ઓસ્ટ્રેલિયાથી આવતી ક્વોન્ટાસ (Qantas) ફ્લાઇટમાં આગ (Fire) લાગ્યાના અહેવાલ મળતાં કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી.

ક્વોન્ટાસની આ ફ્લાઇટ સિડનીથી ઓકલેન્ડ આવી રહી હતી. ફાયર એન્ડ ઇમરજન્સી ન્યુઝીલેન્ડને સવારે 11.05 વાગ્યે ઇમરજન્સી માટે બોલાવવામાં આવી હતી. આગની જાણ કરાતાં, 16 ફાયર ટ્રકો અને અનેક એમ્બ્યુલન્સ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી હતી.

ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતરી ગઈ હતી અને બપોર સુધીમાં એરફિલ્ડનું સંચાલન સામાન્ય થઈ રહ્યું હતું. જોકે, કેટલીક ફ્લાઇટ્સમાં થોડો વિલંબ થવાની શક્યતા છે. કોઈ મુસાફરોને ઇજા થઈ હોવાની પુષ્ટિ મળી નથી. ક્વોન્ટાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “કાર્ગો હોલ્ડ ફાયર ઇન્ડિકેટર સમયાંતરે ફ્લેશ થવાને કારણે પાઇલટ દ્વારા મેડે કોલ જારી કરવામાં આવ્યો હતો.”

ક્વોન્ટાસે એક નિવેદનમાં કહ્યું કે સિડનીથી આવેલી ફ્લાઇટમાં કાર્ગો હોલ્ડ (cargo hold) માં ધુમાડાના સંકેત મળ્યા હતા, અને વિમાનની સુરક્ષા પ્રણાલી (safety system) સક્રિય થઈ ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે લેન્ડિંગ બાદ વિમાનને દૂરના સ્થળે લઈ જવામાં આવ્યું હતું જ્યાં ફ્લાઇટને ઉતાર્યા પછી તરત જ એન્જિનિયરોએ તેની તપાસ કરી હતી. મુસાફરોને સામાન્ય રીતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા.