ફી વાર્ષિક નહીં, પરંતુ એક વખત જ ચૂકવવાની રહેશે; ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જારી કર્યો, હાલના H-1B વિઝા ધારકો કે વિદેશમાં રહેતા લોકો પર આ ફીનો નિયમ લાગુ થશે નહીં

વૉશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પર 1,00,000 ડોલર (લગભગ 88 લાખ રૂપિયા)ની મોટી ફી લાદ્યા બાદ વ્હાઈટ હાઉસ દ્વારા તેના નિયમો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. શ્વેત ભવનના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ ફી વાર્ષિક નહીં, પરંતુ એક વખત જ ચૂકવવાની રહેશે અને તે ફક્ત નવા અરજી કરનારાઓ પર જ લાગુ થશે.
યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા પણ આ નિર્ણયને સ્પષ્ટ કરવામાં આવ્યો છે. નવા નિયમો ફક્ત તે અરજીઓ પર જ લાગુ પડશે જે અત્યાર સુધી ફાઇલ કરવામાં આવી નથી. હાલના H-1B વિઝા ધારકો કે વિદેશમાં રહેતા લોકો પર આ ફીનો નિયમ લાગુ થશે નહીં.
પ્રેસ સેક્રેટરી લેવિટે વધુમાં જણાવ્યું કે જે લોકો હાલમાં H-1B વિઝા ધરાવે છે અને વિદેશમાં છે, તેમને આ ફી ચૂકવવાની જરૂર નથી. આ વિઝા ધારકો સામાન્ય રીતે અમેરિકામાં પ્રવેશ અને બહાર નીકળી શકે છે. નવો આદેશ ફક્ત નવા અરજીકર્તાઓ અને આગામી લોટરી સાઇકલ માટે જ લાગુ પડશે, વિઝા રિન્યુઅલ કે હાલના ધારકો પર નહીં.
દરમિયાન, અમેરિકામાં ભારતીય દૂતાવાસે તાત્કાલિક સહાય માટે ભારતીય નાગરિકો માટે એક હેલ્પલાઇન નંબર +1-202-550-9931 જારી કર્યો છે. આ નંબરનો ઉપયોગ માત્ર કટોકટીના કિસ્સામાં જ સંપર્ક માટે કરી શકાય છે અને તેના પર વોટ્સએપની સુવિધા પણ ઉપલબ્ધ છે.