ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને તેમના પત્ની બ્રિજિટ, યુએસ કોર્ટમાં કેન્ડેસ ઓવેન્સ સામે કાનૂની લડાઈ લડશે

પેરિસ: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને તેમના પત્ની બ્રિજિટ મેક્રોન અમેરિકન કોર્ટમાં માનહાનિના દાવા હેઠળ બ્રિજિટ મહિલા હોવાનું સાબિત કરવા માટે વૈજ્ઞાનિક અને ફોટોગ્રાફિક (scientific evidence) પુરાવા રજૂ કરવા તૈયાર છે. આ દાવો યુએસના કન્ઝર્વેટિવ ઇન્ફ્લુએન્સર કેન્ડેસ ઓવેન્સ સામે કરવામાં આવ્યો છે, જેમણે દાવો કર્યો હતો કે બ્રિજિટ મેક્રોનનો જન્મ પુરુષ તરીકે થયો હતો.
મેક્રોન દંપતીના વકીલ ટોમ ક્લેરે જણાવ્યું કે આ દાવાઓ આ દંપતી માટે “ખૂબ જ દુ:ખદ” રહ્યા છે અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ માટે તે “ધ્યાનભંગ” સમાન હતા. ઓવેન્સની કાનૂની ટીમે આ દાવાને રદ કરવાની અરજી કરી છે.
ક્લેરે વધુમાં જણાવ્યું હતું કે આ કેસમાં “વૈજ્ઞાનિક સ્વરૂપના નિષ્ણાત જુબાની” રજૂ કરવામાં આવશે, જે દર્શાવશે કે આ આરોપો “સામાન્ય અને વિશેષ રીતે” ખોટા છે. તેમણે કહ્યું કે, “એવું વિચારવું ખૂબ જ દુઃખદ છે કે તમારે આ પ્રકારના પુરાવા રજૂ કરવા માટે જાહેરમાં આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે.”
બ્રિજિટ મેક્રોન આ મામલે રેકોર્ડ સુધારવા માટે જરૂરી તમામ પગલાં લેવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. પુરાવાઓમાં કોર્ટના નિયમો મુજબ બ્રિજિટ ગર્ભવતી હોવાના અને તેમના બાળકોનો ઉછેર કરતા હોય તેવા ફોટા પણ સામેલ હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં કેન્ડેસ ઓવેન્સે એક યુટ્યુબ વીડિયો દ્વારા આ ષડયંત્રના સિદ્ધાંતને ફરી જીવંત કર્યો હતો. આ વીડિયો ‘X’ (ટ્વિટર) પર વ્યાપકપણે પ્રમોટ કરવામાં આવ્યો હતો. ત્યારથી, ઓવેન્સે તેના 45 લાખથી વધુ યુટ્યુબ સબસ્ક્રાઇબર્સ માટે બ્રિજિટ મેક્રોન વિશે અનેક વીડિયો બનાવ્યા છે, જેમાં ‘બિકમિંગ બ્રિજિટ’ નામની શ્રેણી પણ સામેલ છે. દાવા અનુસાર, ઓવેન્સે આ ખોટા આરોપોને પ્રમોટ કરતો વેપારી માલ પણ વેચ્યો છે.