તહેવારોમાં તેજી આવશે ! 5% અને 18% બે સ્લેબ રાખવાનો GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય, નાણામંત્રી નિર્મલા સિતારમને કહ્યું કે નવા ફેરફારો 22 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવશે
12% અને 28% ના GST સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે, અને લક્ઝરી વસ્તુઓ પર 40% ટેક્સ લાગુ થશે
બુધવારે નવી દિલ્હીમાં GST કાઉન્સિલની 56મી બેઠક યોજાઇ હતી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ઘણા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. નાણાં મંત્રીએ સ્પષ્ટ કર્યું કે હવે માત્ર બે GST સ્લેબ હશે, જે 5% અને 18% હશે. આનો અર્થ એ થયો કે હવે 12% અને 28% ના GST સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે અને તેમાં સમાવિષ્ટ મોટાભાગની વસ્તુઓ ફક્ત મંજૂર કરાયેલા બે ટેક્સ સ્લેબ હેઠળ આવશે. જેના કારણે ઘણી વસ્તુઓ સસ્તી થઈ જશે. જોકે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે એક અલગ સ્લેબને મંજૂરી મળી છે, જે 40% છે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે GST બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે જણાવતા કહ્યું કે, “અમારું ધ્યાન દેશના સામાન્ય માણસ પર છે. ખેડૂતોથી લઈને મજૂરો સુધીનું ધ્યાન રાખીને સ્લેબ ઘટાડવાની મંજૂરી આપવામાં આવી છે અને બેઠકમાં સામેલ તમામ રાજ્યોના નાણાં મંત્રીઓએ આ નિર્ણયનું સમર્થન કર્યું છે.” તેમણે કહ્યું કે, સમયની માંગને સમજીને બધાએ આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં પોતાની સહમતી આપી.
આ વસ્તુઓ પર 40 ટકા GST લાગશે: સીતારમણના જણાવ્યા અનુસાર, 40 ટકાનો ખાસ GST દર નીચેની વસ્તુઓ પર લાગુ થશે:
- પાન મસાલા
- તમાકુ ઉત્પાદનો
- સિગારેટ
- વધુ ખાંડવાળા વાયુયુક્ત પીણાં (એરેટેડ ડ્રિંક્સ)
28% થી 18% સ્લેબમાં લાવવામાં આવેલી વસ્તુઓ: નીચેની વસ્તુઓને 28% થી 18% સ્લેબમાં લાવવામાં આવી છે:
- સિમેન્ટ
- નાની કાર અને મોટરસાયકલ જે 300 સીસી અથવા તેનાથી ઓછી છે
- બસ, ટ્રક અને એમ્બ્યુલન્સ
- તમામ ઓટો પાર્ટ્સ પર 18 ટકાનો સમાન દર
- થ્રી-વ્હીલર
મોટરસાયકલ, ટીવી અને એર કન્ડીશનીંગ મશીન પણ થયા સસ્તા: નાણાં મંત્રી સીતારમણે તે વસ્તુઓની યાદી પણ આપી જે “મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂર્ણ કરે છે”, જેને 18 ટકાના ટેક્સ સ્લેબમાં લાવવામાં આવી છે. જેમાં સમાવેશ થાય છે: એર કન્ડીશનીંગ મશીન, તમામ ટીવી, વાસણ ધોવાના મશીન, નાની કાર અને 300 સીસીથી ઓછી ક્ષમતાવાળી મોટરસાયકલ.
