લૂંટના ઇરાદે કિશોર ગેંગનો હુમલો; 3 આરોપીઓ ધરપકડ બાદ જામીન પર બહાર , અન્ય 1 ફરાર; ભારતીય સમુદાયમાં ભયનો માહોલ, સ્વામિનારાયણ મંદિર પર હુમલા બાદ વધુ એક વંશીય ઘટના

મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાંથી ભારતીય સમુદાય માટે અત્યંત ચોંકાવનારી અને હિંસક ઘટના સામે આવી છે. 33 વર્ષીય ભારતીય મૂળના સૌરભ આનંદ પર કિશોર વયના છોકરાઓના એક જૂથે છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં આનંદનો એક હાથ લગભગ કપાઈ ગયો છે અને તેમની કરોડરજ્જુને પણ નુકસાન થયું છે. પોલીસે અત્યાર સુધીમાં ચાર સગીર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે હુમલાખોરો હજુ ફરાર છે.

હુમલાની ભયાનક વિગતો: માહિતી અનુસાર, આ ઘટના 19 જુલાઈના રોજ મેલબોર્નના અલ્ટોના મીડોઝ સ્થિત સેન્ટ્રલ સ્ક્વેર શોપિંગ સેન્ટર નજીક બની હતી. સૌરભ આનંદ ફાર્મસીમાંથી દવાઓ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક કેટલાક સગીર છોકરાઓના જૂથે પાછળથી તેમના પર હુમલો કર્યો. એક હુમલાખોરે તેમની ખિસ્સા ખંખાળવાનું શરૂ કર્યું, બીજાએ સતત માથામાં મુક્કા માર્યા અને ત્રીજાએ છરી કાઢીને સીધી આનંદના ગળા પર મૂકી દીધી.

‘ધ એજ’ અખબારના અહેવાલ મુજબ, સૌરભ આનંદે જણાવ્યું કે, “મેં પોતાને બચાવવા માટે હાથ ઉપર કર્યો. છરીનો પહેલો વાર મારી કાંડાની આરપાર નીકળી ગયો. બીજો વાર હાથને ફાડી ગયો અને ત્રીજા વારમાં છરી હાડકાં સુધી પહોંચી ગઈ.” છરીના હુમલા બાદ તેમનો હાથ લગભગ દોરાથી લટકતો હતો અને હાડકાં ખરાબ રીતે તૂટી ગયા હતા. હુમલાખોરો અહીં જ ન અટક્યા; તેમણે આનંદના ખભા અને પીઠ પર પણ છરી વડે હુમલો કર્યો. લોહીલુહાણ હાલતમાં આનંદ કોઈક રીતે ઉભા થયા અને રાહદારીઓ પાસે મદદ માંગી. રાહદારીઓએ તાત્કાલિક ઇમરજન્સી નંબર પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી. તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ જણાવ્યું કે તેમનો ડાબો હાથ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. જોકે, કેટલાક કલાકોની ઇમરજન્સી સર્જરી પછી સર્જનો હાથને જોડવામાં સફળ રહ્યા. ડોકટરોએ હાથની રચના જાળવી રાખવા માટે તેમાં સ્ટીલના સ્ક્રૂ લગાવ્યા છે.

આરોપીઓની ધરપકડ અને તપાસ: સૌરભ આનંદને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે, હાથના હાડકાં તૂટી ગયા છે અને કરોડરજ્જુમાં પણ ફ્રેક્ચર છે. આરોપી કિશોરો તેમનો મોબાઈલ ફોન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં સામેલ 3 કિશોરોને પોલીસે પકડી પાડ્યા છે. એક 14 વર્ષના છોકરાને બાળ ન્યાયાલયમાં રજૂ કરાયો છે, જેને 15 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. અન્ય બે 15 વર્ષના છોકરાઓ પર પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને તેમને 11 ઓગસ્ટે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપીને જામીન આપવામાં આવ્યા છે. અન્ય એક 14 વર્ષના છોકરાની પણ ધરપકડ કરવામાં આવી છે, જેના વિરુદ્ધ સમન્સ જારી કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં તેના પર આરોપ નક્કી થવાની સંભાવના છે. જોકે, બે હુમલાખોરો હજુ પણ ફરાર હોવાનું જણાવાઈ રહ્યું છે.

આઘાતજનક ઘટનાઓની શ્રેણી: આ હુમલો તે જ દિવસે થયો જ્યારે ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાં એક ભારતીય વિદ્યાર્થી પર પણ વંશીય હુમલો કરવામાં આવ્યો હતો. મેલબોર્નમાં સતત વધતી આવી ઘટનાઓએ વહીવટીતંત્રની ચિંતા વધારી દીધી છે. ઇલેક્ટ્રોનિક રેકોર્ડ શરૂ થયા પછી વિક્ટોરિયા રાજ્યમાં કિશોર અપરાધ દર તેના સર્વોચ્ચ સ્તરે છે. જેના કારણે રાજ્ય સરકારે માર્ચમાં કાયદાઓને કડક બનાવ્યા છે અને પુનરાવર્તિત અપરાધીઓ માટે દેશની સૌથી કઠિન જામીન પ્રક્રિયા લાગુ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી જેસિન્ટા એલને કહ્યું છે કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. આ ઘટનાએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.