વડોદરાના કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે અકસ્માત, ઘટનાના સીસીટીવી સામે આવ્યા, બે વ્યક્તિઓની હાલત ગંભીર

વડોદરામા નશામાં ધૂત યુવકે (Drunk and Drive Case) કારેલીબાગ પાસેના આમ્રપાલી કોમ્પ્લેક્સ નજીક સાત લોકોને અડફેટે લીધા છે. હોળીની રાત્રીએ નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જતા એકનું મોત થયું છે. જ્યારે બે લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કારચાલક રક્ષિત ચૌરસીયા મૂળ વારાણસીનો રહેવાસી છે અને વડોદરા પીજીમાં રહી યુનિવર્સિટીમાં લૉ ફેકલ્ટીનો સ્ટુડન્ટ છે. ઘટના બાદ લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા મેથીપાક પણ આપ્યો હતો.

અકસ્માત સર્જીને બોલ્યો અનધર રાઉન્ડ, ઓમ નમ: શિવાય
અકસ્માત એટલો ગંભીર હતો કે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માતને અંજામ આપ્યા બાદ પણ યુવક એટલો નશામાં ચુર હતો કે ગાડીમાં મોજુદ પોતાના અન્ય મિત્રને અનધર રાઉન્ડ….અનધર રાઉન્ડ બૂમો પાડી રહ્યો હતો. જ્યારે ઉપસ્થિત જનતા તેને પકડવા દોડી ત્યારે ઓમ નમ: શિવાય બોલવા લાગ્યો હતો. હાલ પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને પોલીસ અધિકારી પન્ના મોમાયાએ માહિતી આપી હતી કે યુવકની પરિસ્થિતિ જોતા ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો કેસ બની રહ્યો છે.

હોળીને પગલે રોડ પર હતી ભીડ
સમગ્ર ઘટના રાત્રે 11.30 કલાકે બની હતી અને હોળીનો તહેવાર હોવાથી રસ્તા પર મોડી રાત્રે પણ ચહલ પહલ જોવા મળી હતી. જોકે પ્રથમ દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ગાડીમાં મોજુદ મિત્ર સાથે કોઇ શરત કે વિવાદને પગલે રક્ષિત બેફામ ગાડી ચલાવી રહ્યો હતો. કારણ કે તેનો મિત્ર પણ ઇજાગ્રસ્ત હાલતમાં બહાર આવ્યો હતો અને બોલ્યો કે આ પાગલ થઇ ગયો છે. રક્ષિતે પોતાની ફોક્સવેગન કાર દ્વારા રસ્તા પરથી પસાર થઈ રહેલા અન્ય એક વાહનની સાથે એક્ટિવા પર જઇ રહેલા પરિવારને અડફેટે લેતા અંદાજીત 50 મીટર સુધી ઢસડ્યો હતો. જેમાં એક બાળકી સહિત ચારથી પાંચ લોકો આ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત સર્જાતા ધડાકાભેર અવાજ આવતા આસપાસમાં રહેતા લોકો અને રાહદરીઓ ચોકી ઉઠ્યા હતાં.અકસ્માત સર્જનાર નબીરાની કારની એરબેગ પણ ખુલી ગઈ હતી અને બોનેટનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો.