ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ચાકુબાજીની વધુ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે અહીં વેકલી સ્થિત ધ ગુડ શેફર્ડ ચર્ચમાં એક પાદરી અને કેટલાક અન્ય લોકો પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો છે.
ચાકુના હુમલામાં ચાર લોકો ઘાયલ થયાના સમાચાર છે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અહેવાલો અનુસાર, આ ઘટના સ્થાનિક સમય અનુસાર સોમવારે રાત્રે ચર્ચમાં સેવા દરમિયાન બની હતી. પોલીસને ઘટનાની માહિતી મળતાં જ તેમણે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં બતાવાયું છે કે બિશપ માર મેરી ઈમેન્યુઅલ ચર્ચના સ્ટેજ પર ઉભા છે. આ દરમિયાન કાળો જમ્પર પહેરેલો એક વ્યક્તિ તેની તરફ દોડે છે અને તેને ખેંચીને તેની છાતીમાં ચાકુ મારી દે છે.
આ પછી પૂજારી જમીન પર પડી જાય છે અને હુમલાખોરે તેને વધુ ચારથી પાંચ વાર ચાકુ માર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શનિવારે પણ વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલમાં છરાબાજી અને ગોળીબારના કારણે હંગામો મચી ગયો હતો.
આ ઘટનામાં પાંચ મહિલાઓ સહિત છ લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
સિડની પોલીસે સોમવારે આ ઘટના અંગે મોટો ખુલાસો કર્યો છે.
પોલીસનું કહેવું છે કે શક્ય છે કે હુમલાખોરનું નિશાન માત્ર મહિલાઓ હતી, કારણ કે આ ઘટનામાં માર્યા ગયેલા છ લોકોમાંથી પાંચ મહિલાઓ છે,તેમજ ઘાયલોમાં માત્ર 12 મહિલાઓ હતી.

આ ઘટના બાદ આવીજ છરાબાજીની આ બીજી ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.