અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર થઇ રહેલા હુમલા અને શંકાસ્પદ મોતને લઈ ભારતીય સમુદાયમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે ત્યારે વૉશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા પ્રથમવાર સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના થઈ છે.
દરમિયાન, હાલમાં અમેરિકા ખાતે રહેતા લગભગ 7 લાખ ભારતીય વિદ્યાર્થીઓ માટે સેફ્ટી ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ ભારતીય વિદ્યાર્થીઓએ મોડી રાત્રે
શંકાસ્પદ સ્થળે જવાનું ટાળવા સહિત શક્ય હોય ત્યાં સુધી
ગ્રૂપમાં આવ-જા કરવા જણાવાયુ છે.
અહીં રહેતા કોઈપણ ભારતીય વિદ્યાર્થીને કોઈપણ મુશ્કેલી જણાયતો દૂતાવાસ અને કોન્સ્યુલેટના હેલ્પલાઇન નંબર પર કૉલ કરવા અને ઈમરજન્સી વખતે વિદ્યાર્થીઓને ટ્રેક કરી શકાય તે માટે વિદ્યાર્થીઓને દૂતાવાસની વેબસાઇટ પર રજિસ્ટર કરવાનો નિર્દેશ પણ આપી દેવાયો છે.
આ અંગે વ્હાઇટ હાઉસના પ્રવક્તા જૉન કિરબીએ જણાવ્યું હતું કે
ભારતીય વિદ્યાર્થીઓનાં શંકાસ્પદ મૃત્યુ અને વધતા જતા હુમલા સહન કરવામાં નહીં આવે.
ભારતીય દૂતાવાસ વતી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લેવાયેલાં પગલાંને
અમેરિકા સરકાર દ્વારા પૂરેપૂરો સહકાર આપવામાં આવશે.
તપાસમાં પણ ઝડપ રાખવાનો નિર્દેશ અપાયો છે.
વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ, વર્ષની 11મી ઘટના
અમેરિકાના ક્લિવલૅન્ડમાં ભારતીય વિદ્યાર્થી મોહમ્મદ
અબ્દુલ (25)નો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો
હતો. હૈદરાબાદનો અબ્દુલ ક્લિવલૅન્ડ યુનિવર્સિટીનો
વિદ્યાર્થી હતો. 5 માર્ચથી ગુમ થયેલા અબ્દુલના ભારત
રહેતા પરિવારને કૉલ કરીને 1200 ડૉલરની ખંડણી
પણ માગવામાં આવી હતી. અઠવાડિયામાં અમેરિકામાં
ભારતીય વિદ્યાર્થીના મૃત્યુનો આ બીજો અને આ વર્ષનો
11મો કિસ્સો હોવાનું સામે આવ્યું છે પરિણામે હવે ભારતીય વિદ્યાર્થીઓ માટે સુરક્ષા પ્રદાન કરવા આ પ્રકારે પહેલીવાર નિર્ણય લેવામાં આવતા ભારતીય વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે.