મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીએ લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણીની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે.તેમાંથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના (બાળા સાહેબ ઠાકરે) 21 બેઠકો પર, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર) 10 બેઠકો પર અને કોંગ્રેસ 17 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે.
NCP (શરદ જૂથ)ના વડા શરદ પવાર, શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ અઠવાડિયાની વાતચીત બાદ અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલાની જાહેરાત કરી હતી.
તેમનો મુકાબલો ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી સાથે થશે. રાજ્યમાં 19 એપ્રિલથી 20 મે વચ્ચે પાંચ તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે.
કોંગ્રેસે સાંગલી અને ભિવંડી બેઠકો પર પોતાનો દાવો છોડી દીધો છે. હવે શિવસેના (UBT) સાંગલીથી અને NCP (શરદ જૂથ) ભિવંડીથી ચૂંટણી લડશે. MVA ઘટક શિવસેનાએ કહ્યું કે ગઠબંધનનો હેતુ ભારતીય જનતા પાર્ટી (BJP)ને હરાવવાનો છે. આ દરમિયાન કોંગ્રેસે કહ્યું કે, પાર્ટીએ ગઠબંધનની જીત સુનિશ્ચિત કરવા માટે મોટું દિલ બતાવવાનો નિર્ણય કર્યો છે.
દક્ષિણ મુંબઈમાં શિવસેના (UBT) કાર્યાલય ‘શિવાલય’ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે સીટ-વહેંચણીની સમજૂતી થઈ ગઈ છે અને ગઠબંધનનું મહત્વપૂર્ણ લક્ષ્ય ભાજપને હરાવવાનું છે.
પીએમ મોદી દ્વારા તેમની પાર્ટીને નકલી શિવસેના કહેવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે ગઈકાલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ કોઈ વડાપ્રધાનનું ભાષણ ન હતું. જ્યારે અમે જવાબ આપીએ ત્યારે કૃપા કરીને તેને વડાપ્રધાનના અપમાન તરીકે ન લો.
અમારી ટીકા ભ્રષ્ટ પક્ષના નેતા વિશે હશે. ખંડણીખોરોના પક્ષના કોઈપણ નેતાએ અમને નકલી કહેવું યોગ્ય નથી.
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે તેમની પાર્ટીએ પીએમ મોદી અને બીજેપીને હરાવવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે મોટું દિલ બતાવવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના કાર્યકરો ભાજપ સાથે લડશે. અમે સાંગલી અને ભિવંડીમાં MVA ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરીશું. અમારા કાર્યકરો ક્યારેય ભૂલી શકશે નહીં કે ભાજપે અમારા નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે કેવી રીતે ગેરવર્તન કર્યું
શિવસેના (UBT) આ બેઠકો પર ચૂંટણી લડશે
જલગાંવ, પરભણી, નાસિક, પાલઘર, કલ્યાણ, થાણે, રાયગઢ, માવલ, ઉસ્માનાબાદ, રત્નાગીરી-સિંધુદુર્ગ, બુલઢાના, હાથકાનાંગકલે, ઔરંગાબાદ, શિરડી, સાંગલી, હિંગોલી, યવતમાલ-વાશિમ, મુંબઈ દક્ષિણ, મુંબઈ દક્ષિણ મધ્ય, મુંબઈ ઉત્તર પશ્ચિમ અને મુંબઈ ઉત્તર પૂર્વ.