રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ શરૂ થયેલુ યુદ્ધ બે વર્ષ કરતાં વધુ સમય પછી પણ ચાલુ છે ત્યારે રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેને ઝાપોરિઝિયા પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન વડે હુમલો કર્યો છે.
ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) એ આ હુમલાને અત્યંત ઘાતક ગણાવ્યો છે અને પરમાણુ કેન્દ્ર નજીક ડ્રોન હુમલાને ખતરનાક કૃત્ય ગણાવ્યું હતું.
આ ઘટનાક્રમ બાદ બંને દેશો વચ્ચે વધુ તણાવ વધે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં વ્લાદિમીર પુતિન ફરી એકવાર રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. બીજી તરફ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પણ રશિયા સાથેના હિંસક સંઘર્ષનો હિંમતપૂર્વક સામનો કરી રહ્યા છે.

દરમિયાન, રશિયન માલિકીની પરમાણુ એજન્સી રોસાટોમે કહ્યું કે તે પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો હતો, જે 2022 માં યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ કર્યા પછી તરત જ રશિયન દળો દ્વારા તેના ઉપર કબજો કરવામાં આવ્યો હતો.

જોકે, પ્લાન્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેડિયેશનનું સ્તર સામાન્ય હોય હુમલા બાદ કોઈ ખાસ નુકસાન થયું નથી.
IAEAના મહાનિર્દેશક રાફેલ ગ્રોસીએ બંને પક્ષોને ચેતવણી આપી છે કે પરમાણુ સુરક્ષાને જોખમમાં મૂકે તેવી ક્રિયાઓથી દૂર રહે.