સાંસદપદ દરમિયાન ગહરમને ત્રણ દુકાનોમાંથી લગભગ $8367નો સામાન ચોરી કર્યો હતો
પૂર્વ ગ્રીન સાંસદ ગોલરિઝ ગહરમને શોપલિફ્ટિંગના ચાર આરોપો માટે દોષીત હોવાનું કબૂલ્યું છે. શોપલિફ્ટિંગની તપાસ બાદ ગહરમન બુધવારે ઓકલેન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર થઇ હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તેણીએ ત્રણ દુકાનોમાંથી લગભગ $8367ના કપડાંની ચોરી કરી હતી.
કાળો પોશાક પહેરેલી, ભૂતપૂર્વ સાંસદ લાગણીહીન દેખાતી હતી. ભૂતપૂર્વ સાંસદ, જેમનો વ્યવસાય કોર્ટના દસ્તાવેજોમાં બેરિસ્ટર તરીકે સૂચિબદ્ધ હતો, તેણે ન્યૂમાર્કેટમાં સ્ટાન્ડર્ડ ઇશ્યૂમાંથી $389 ની કિંમતનું નેવી કાર્ડિગન ચોર્યું હતું. 22 ઑક્ટોબરે, ગહરમને વેલિંગ્ટનમાં Cre8iveworxમાંથી $695ની કિંમતના કપડાંની ચોરી કરી હતી. પછી ગર્મને પોન્સનબીમાં સ્કોટીઝ બુટિકમાંથી બે વાર ચોરી કરી હતી. જેમાં એકવાર 21 ડિસેમ્બરે $2060ની કિંમતની વસ્તુઓ લીધી અને પછી 23 ડિસેમ્બરે $5223ની કિંમતની વસ્તુઓ લીધી હતી.
આ વર્ષની શરૂઆતમાં, ગ્રીન લિસ્ટના સાંસદ તરીકે રાજીનામું આપતા પહેલા, ગહરમને તેમના તમામ પોર્ટફોલિયોમાંથી રાજીનામું આપ્યું હતું. તે અગાઉ ન્યાય, વિદેશી બાબતો અને અન્ય ઘણા વિષયો માટે ગ્રીન પાર્ટીના પ્રવક્તા હતા. 16 જાન્યુઆરીના રોજ, ગહરમને સંસદ સભ્ય તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.