વાયરલ થયું પ્રિ-વેડિંગ કાર્ડ

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અને તેની ગર્લ ફ્રેન્ડ રાધિકા મર્ચન્ટનું પ્રિ-વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે,જામનગરમાં 3 દિવસ માટે યોજાનાર લગ્ન ફંક્શનની તારીખો પણ સામે આવી છે.
અંબાણી પરિવાર મૂળ ગુજરાતના જામનગરનો છે અને માદરે વતનમાં નવ દંપતી પ્રભુતામાં પગલાં માંડશે.

મહત્વનું છે કે સેલેબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાની દ્વારા ઇસ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવેલ એક પોસ્ટમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની માહિતી સામે આવી છે,જેમાં જણાવાયા મુજબ પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં યોજાશે.
માર્ચ 1,2 અને 3ના રોજ ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાધિકા અને અનંત અંબાણીની સગાઈ એન્ટિલિયામાં થઈ હતી જ્યાં ગુજરાતી પરંપરા મુજબ ગોળ ધાણા વહેંચી અને ચૂંદડી અને નાળીયેર બદલવાની ગુજરાતી રીત રિવાજ મુજબ સગાઈ કરવામાં આવી હતી. 

વર્ષ 2023માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આ રીતે સગાઈ થઈ હતી અને આ સગાઈમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. સગાઈની ઈનસાઈડ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
આવા સમયે હવે 2024માં માર્ચમાં જામનગર ખાતે લગ્ન યોજવાના છે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

રાધિકાના પિતા વિરેન ગુજરાતના કચ્છના વતની છે. તેઓ ADF Foods Ltd.ના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તેમજ એનકોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ અને વાઇસ-ચેરમેન છે. રાધિકાએ શાળાનું શિક્ષણ કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલ અને મુંબઈની ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલમાંથી પૂરું કર્યું હતું. ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકસ અને ઇકોનોમિક્સમાં સ્નાતક કર્યું છે.
રાધિકા ગ્રેજ્યુએશન પછી ભારત પરત આવી. તે હાલમાં બોર્ડ ઓફ એન્કોર હેલ્થકેરમાં ડિરેક્ટર છે. તેને ટ્રેકિંગ અને સ્વિમિંગનો શોખ છે. તે એક ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર પણ છે. રાધિકાએ મુંબઈની શ્રી નિભા આર્ટ ડાન્સ એકેડમીના ગુરુ ભવન ઠાકરના માર્ગદર્શન હેઠળ ક્લાસિકલ ડાન્સિંગની તાલીમ લીધી છે.
રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે. અનંતે USAની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારથી તેણ જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય તરીકે કામ કર્યું. તેઓ હાલમાં RILના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે.

આમ,દેશના અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારમાં વર્ષ 2024 ખાસ રહેવાનું છે જેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન કરવા જઈ રહ્યા છે.
જોકે, હજુ સુધી આ અંગે અંબાણી પરિવાર તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી