ઈરાનના કેરમેન શહેરમાં આજે બે જોરદાર વિસ્ફોટ થયા હતા, જેમાં 73 લોકોના મોત અને 170થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

આ વિસ્ફોટ દેશના પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે થયા હતા, ઈરાનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સુલેમાનીની હત્યાની ચોથી વર્ષગાંઠ ઉપર શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલા કાર્યક્રમ વખતે દરમિયાન વિસ્ફોટ થયા હતા.

ઈરાનના ડેપ્યુટી ગવર્નરે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. અમેરિકાએ વર્ષ 2020માં કરેલા ડ્રોન હુમલામાં જનરલ કાસિમ સુલેમાનીનું મોત થઈ ગયું હતુ.

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેને પછી સુલેમાની દેશના સૌથી શક્તિશાળી લોકોમાં ગણાતા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રસ્તા પર ઘણા મૃતદેહો જોવા મળતા હતા.

ઈરાનના રાજ્ય મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં વિસ્ફોટ બાદ લોકોમાં નાસભાગ થતી જોવા મળી હતી આ વિસ્ફોટની ઘટનામાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.

મહત્વનું છે કે પૂર્વ જનરલ સુલેમાની 3 જાન્યુઆરી, 2020 ના રોજ બગદાદ એરપોર્ટ પર યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા.
આવી સ્થિતિમાં આજે તેમના મૃત્યુને ચાર વર્ષ થઈ ગયા છે ત્યારે તેમની ચોથી વર્ષગાંઠ દરમ્યાન યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આજે વિસ્ફોટો થયા હતા.
ઉલ્લેખનીય છે કે 2020માં ટ્રમ્પે સુલેમાનીના મોતને સૌથી મોટી જીત ગણાવી હતી અને તેને દુનિયાનો નંબર વન આતંકવાદી પણ ગણાવ્યો હતો.