અશ્વિન-જાડેજાની 3-3 વિકેટ ઝડપી, ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 5 વિકેટે 399 રન, ડકવર્થ લુઈસ મેથર્ડ (DLS)થી 33 ઓવરમાં 317 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ
ભારતીય ટીમ વર્લ્ડકપ પહેલા શાનદાર ફોર્મમાં છે. આજે બીજી વન-ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી સિરીઝ પર કબ્જો કર્યો છે. વરસાદ વિક્ષેપિત બીજી વનડેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું છે. પ્રથમ રમત રમીને ભારતે શ્રેયસ અય્યર (105), શુભમન ગિલ (104) અને સૂર્યકુમાર યાદવ (અણનમ 72)ની શાનદાર ઇનિંગ્સને કારણે 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા હતા.
આ પછી ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 9 ઓવર પછી વરસાદ આવ્યો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 217 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી બોલિંગમાં અશ્વિન અને જાડેજાએ અજાયબીઓ કરી હતી. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.ભારતીય ટીમે પ્રથમ વનડે મેચમાં 5 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો.
મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટે 399 રન બનાવ્યા હતા. વરસાદના કારણે ઓસ્ટ્રેલિયાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કાંગારૂ ટીમ 28.2 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી સીન એબોટે 54 અને ડેવિડ વોર્નરે 53 રન બનાવ્યા હતા. માર્નસ લાબુશેને 27 રન અને જોશ હેઝલવુડે 23 રન બનાવ્યા હતા. કેમેરોન ગ્રીને 19 રન અને એલેક્સ કેરીએ 14 રન બનાવ્યા હતા. મેથ્યુ શોર્ટ નવ રન બનાવીને, જોશ ઈંગ્લિશ છ રન બનાવીને અને એડમ ઝમ્પા પાંચ રન બનાવીને આઉટ થયા હતા. કેપ્ટન સ્ટીવ સ્મિથ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ કિલર બોલિંગ કરી હતી. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણને બે અને મોહમ્મદ શમીને એક વિકેટ મળી હતી.