ભાવનગરના આયુષ રમેશભાઇ ડાખરાનું ટોરોન્ટોમાં મોત, યોર્ક યુનિવર્સિટીમાં કરી રહ્યો હતો અભ્યાસ, પિતા પાલનપુરમાં DySP તરીકે બજાવે છે ફરજ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ટોરોન્ટો
કેનેડામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય વિદ્યાર્થીઓના શંકાસ્પદ મૃત્યુનો સિલસિલો યથાવત છે. ગત મહિને અમદાવાદના વિદ્યાર્થીઓનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું અને હવે ભાવનગરના વિદ્યાર્થી 22 વર્ષીય આયુષ રમેશભાઇ ડાખરાનું ટોરોન્ટોમાં મોત થયું છે. 5મી મેથી આયુષ ગુમ હતો અને હવે તેના નિધનના સમાચાર મળતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
આયુષ ડાખરાના પિતા રમેશભાઈ ડાખરા હાલમાં પાલનપુરમાં ફરજ બજાવતા પોલીસના નાયબ અધિક્ષક (ડીવાયએસપી) છે. ઉલ્લેખનીય છે કે, રમેશભાઈએ 2001 થી 2014 સુધી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ફરજ બજાવી હતી. જ્યારે તેમનું અવસાન થયું ત્યારે આયુષ ટોરોન્ટોની યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. તેમના મૃત્યુની આસપાસના સંજોગો અજ્ઞાત છે, અને તેમના પરિવારે આ સમયે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
6 મહિના બાદ અભ્યાસ થવાનો હતો પૂર્ણ
આયુષ છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતો હતો અને યોર્ક યુનિવર્સિટીમાં તેના અભ્યાસને પૂર્ણ થવામાં માત્ર 6 મહિનાનો જ સમય બાકી હતો. જોકે હવે અચાનકથી તેના મૃત્યુથી પરિવાર પર પહાડ તૂટી પડ્યો છે. આયુષ પાંચમી મેથી ગુમ હતો અને તેના મિત્રો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે તે ન મળી આવતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ તરફ કેનેડા ખાતે રહેતા હ્યુમન ફોર હાર્મનીના ડોન પટેલે આયુષના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને આમ અચાનક ભારતીય વિદ્યાર્થીઓના મોત પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓ હાલના સમયમાં સચેત રહેવાની જરૂર છે.
પિતા પહોંચ્યા કેનેડા, શંકાસ્પદ હાલતમાં જ થયું છે મૃત્યુ
આયુષના અંકલ નારણ ડાખરાના જણાવ્યા અનુસાર આયુષ લોરેન્સ એવન્યુમાં શેરિંગ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. કમ્યુટર સાયન્સ કોર્સ કમ્પ્લિટ કરવા માટે આયુષ યોર્ક યુનિવર્સિટીમાં ભણી રહ્યો હતો. 5મી મેથી તે ગુમ થયો હતો અને 7મી મેએ વિસ્તારના એક બ્રિજ નીચેથી તેની લાશ મળી હતી. આ દરમિયાન તેનો ફોન ચાલુ હતો અને મિત્રોએ મેસેજ પણ કર્યો હતો. પરંતુ સામેથી કોઇ જવાબ મળી રહ્યો હતો. જોકે મેસેજ જરૂરથી કોઇ વાંચી રહ્યું હતું. તો આ દરમિયાન શું બન્યું તે અંગે કંઇપણ કહેવું વહેલું ગણાશે. જોકે હાલ આયુષના પિતા કેનેડા પહોંચ્યા હતા અને પોલીસ તપાસ અંગે જાણકારી મેળવી હતી. નોંધનીય છે કે “જ્યાંથી લાશ મળી છે તે જગ્યા થોડી નિર્જન છે. હવે અમારું ધ્યાન અંતિમ સંસ્કાર પૂર્ણ કરવા પર છે. અમને પોલીસ તપાસમાં વિશ્વાસ છે.” પરિવાર ભાવનગર નજીક સિદસરનો છે જ્યાં રવિવારે અંતિમ સંસ્કાર થશે.
નોંધનીય છે કે ગત મહિના મહેસાણાના હર્ષ વિનસભાઇ પટેલનું મોત થયું હતું અને હજુ સુધી પોલીસ તે ઘટનાના આરોપી સુધી કે મૃત્યુના અન્ય તથ્ય સુધી પહોંચી શકી નથી. આ ઉપરાંત બંને યુવકોના મોતમાં પણ કેટલીક સમાન બાબતો જોવા મળી છે. જેમ કે હર્ષ અને આયુષ યોર્ક યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા અને બંને એક દિવસથી વધુ સમય સુધી ગુમ રહ્યા હતા. જ્યાં બંનેના ફોન હજુ પણ ગુમ થયેલા છે.