આજકાલ લગ્નોમાં જૂની પરંપરા ભુલાતી જઈ રહી છે ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટે હિંદુ મેરેજ એક્ટ 1955 હેઠળ હિંદુ લગ્નની કાનૂની જરૂરિયાતો અને ધાર્મિક પવિત્રતાને સ્પષ્ટ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો કોઈ લગ્નમાં સાત ફેરાની વિધિ થતી નથી તો માત્ર રજિસ્ટ્રેશન દ્વારા આ લગ્ન માન્ય ગણી શકાય નહીં.
કોર્ટે ધાર્મિક દ્રષ્ટિએ હિંદુ લગ્નને માન્ય રાખવા અને તેની પવિત્રતા જાળવવા માટે તે મંત્રોચ્ચાર સાથે સપ્તપદી (પવિત્ર અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરવા) જેવા યોગ્ય સંસ્કારો અને વિધિઓ સાથે કરવા ભારપૂર્વક જણાવી કહ્યું તે સમારોહ એક પુરાવો પણ બને છે.
જસ્ટિસ બી. નાગરત્નાએ પોતાના ચુકાદામાં કહ્યું કે, હિંદુ લગ્ન એક સંસ્કાર છે, જેને ભારતીય સમાજમાં એક મહાન મૂલ્યની સંસ્થા તરીકેનો દરજ્જો મળવો જોઈએ. તેમણે કહ્યું, લગ્ન એ ‘ગીત અને નાચગાન’ અને ‘દારૂ પીવા’ અને ‘જમવાનું’ આયોજન નથી અથવા ખોટી રીતે દબાણ કરી દહેજ અને ભેટોની માંગણી કરવી અને લેવડદેવડ કરવાનો પ્રસંગ નથી.
આવા સંજોગોમાં ફોજદારી કાર્યવાહી થઈ શકે છે, લગ્ન એ કોઈ વ્યાપારી લેવડદેવડ નથી, તે ભારતીય સમાજની એક મહત્વપૂર્ણ રસમ છે જે એક પુરુષ અને સ્ત્રી વચ્ચેના પવિત્ર સંબંધને સ્થાપિત કરવા માટેનો સેતુ છે, જે ભવિષ્યમાં પરિવાર બને છે અને પતિ-પત્નીનો દરજ્જો મળે છે.
બેન્ચે કહ્યું કે હિંદુ મેરેજ એક્ટની કલમ 8 હેઠળ લગ્નનું રજિસ્ટ્રેશન જરૂરી છે અને આ એ વાતનો પુરાવો છે કે લગ્ન કલમ 7 હેઠળ હિંદુ રીતિ-રિવાજો અનુસાર થયા છે. કલમ 5 જણાવે છે કે સેક્શન 7 ની જોગવાઈઓ અનુસાર લગ્ન રિવાજો અને ધાર્મિક વિધિઓ અનુસાર થવા જોઈએ. જો કોઈ લગ્નમાં તેની ગેરહાજરી જોવા મળે તો આવા લગ્નને કાયદાની દૃષ્ટિએ હિન્દુ લગ્ન ગણવામાં આવશે નહીં. આમ,સુપ્રીમ કોર્ટ દ્વારા આ મહત્વનો નિર્ણયનો ઠેરઠેર લોકોએ આવકાર્યો હતો.