દેશમાં લોકસભા ચુંટણીઓને લઈ રાજકીય પક્ષોમાં ધમધમાટ ચાલુ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે ઉત્તર કર્ણાટક વિસ્તારમાં બેલાગવી, ઉત્તરા કન્નડ, દાવનગેરે અને બલ્લારીમાં ચાર રેલીઓને સંબોધિત કરશે.

PM મોદી ઉત્તર કર્ણાટક ક્ષેત્રમાં જાહેર રેલીઓને સંબોધન કરશે આ અગાઉ લોકસભા ચૂંટણી પ્રચાર માટે શનિવારે રાત્રે કુંદનગરી બેલગામ પહોંચેલા વડાપ્રધાન મોદીનુ પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર સહિતના મહાનુભાવોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે કર્ણાટકમાં 28માંથી 14 લોકસભા સીટો પર મતદાન થયું હતું. જ્યારે હવે બાકીની 14 સીટો બાગલકોટ, બેલગામ, બિદર, બીજાપુર, ચિક્કોડી, દાવણગેરે, ધારવાડ, કાલાબુર્ગી, હાવેરી, બલ્લારી, કોપ્પલ, રાયચુર, શિમોગા અને ઉત્તરા કન્નડ બેઠકો ઉપર તા.7 મે ના રોજ મતદાન થનાર છે. દક્ષિણમાં આ એકમાત્ર રાજ્ય છે જ્યાં ભાજપની પકડ મજબૂત રહી છે. 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની 28માંથી 25 બેઠકો પર જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. આવી સ્થિતિમાં હવે આ લોકસભાની ચૂંટણીમાં શુ થાય છે તેની સામે સૌની નજર છે.

મહત્વનું છે કે હવે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજાનાર છે જેમાં 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 94 બેઠકો પર મતદાન થશે અને તા.4 જૂને એકસાથે પરિણામ જાહેર થશે.