ગુજરાતના ગાંધીનગર અને અમરેલીમાં સવારે 4 વાગ્યાના અરસામાં
NCB (Narcotics Control Bureau of India)ની ટીમે પાડેલા દરોડાને પગલે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાના અહેવાલ છે.
વિગતો મુજબ ગુજરાત અને રાજસ્થાનમાં કુલ 4 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી છે. ડ્રગ્સની દાણચોરી સામેની ઝુંબેશના ભાગરૂપે રાજસ્થાનના જાલોરના ભીનમાલ અને જોધપુરના ઓસિયન અને ગુજરાતના ગાંધીનગર અને અમરેલીમાં સવારે 4 વાગ્યાથી દરોડા પાડવામાં આવ્યા હતા.
જેમાં 13 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જેઓની પૂછપરછના આધારે હવે ગેંગના મુખ્ય આરોપીની શોધ કરવામાં આવી રહી છે.
આ નશીલી દવાઓનું ઉત્પાદન કરતી 4 હાઈટેક લેબનો પર્દાફાશ થયો છે. અહીંથી કુલ 149 કિલો એમડી, 50 કિલો એફેડ્રિન અને 200 લિટર એસિટોન પણ મળી આવ્યો છે. આ દવાઓની કિંમત લગભગ 230 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે જોધપુરના ઓસિયનમાં જ્યાં રેડ કરી ત્યાં એમડી મળી આવ્યું ન હતું, પરંતુ એમડી બનાવવા માટેનો કાચો માલ મળી આવ્યો હતો જેથી ઓસિયન જોધપુરના રહેવાસી રામ પ્રતાપને અહીંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો જે પોતે મેડિકલ સ્ટોરના સંચાલક પણ છે.
સહાયે જણાવ્યું કે ગુજરાતના અમરેલી ખાતેના તિરુપતિ કેમ્પ ઈન્ડસ્ટ્રીમાં રેડ કરતા 6:30 કિલો એમડી અને 4 લીટર પ્રવાહી એમડી મળી આવતા અમરેલીના રહેવાસી નીતિન કાબડિયા અને કિરીટ માંડવિયાને અહીંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ચારેય જગ્યાએથી ઝડપાયેલા ડ્રગ્સની કિંમત લગભગ 230 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

સહાયે જણાવ્યું કે એટીએસ ડીવાયએસપી એસએલ ચૌધરીને બે મહિના પહેલા માહિતી મળી હતી કે અમદાવાદના રહેવાસી મનોહર લાલ અને ગાંધીનગરના રહેવાસી કુલદીપ સિંહ ડ્રગ બનાવવા માટે ક્યાંકથી કાચો માલ લાવે છે અને લેબમાં એમડી ડ્રગ તૈયાર કરે છે. જેના આધારે એટીએસે એનસીબી સાથે મળીને ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ રેડ કરતા આજે આટલી મોટી સફળતા મળી હતી.
એનસીબી અને એટીએસની ટીમે ચાર જગ્યાએ રેડ કરી લેબમાં તૈયાર થતા નશીલા પદાર્થ અને તેની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.