વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ઉમેદવારી નોંધાવી હતી.
વારાણસી જિલ્લા ચૂંટણી અધિકારી/જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.રાજલિંગમની સમક્ષ મોદીજીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
નોમિનેશન પહેલા પીએમએ દશાશ્વમેધ ઘાટ પર ગંગા પૂજા કરી હતી તેમણે કાલ ભૈરવ મંદિરમાં આશીર્વાદ લીધા હતા.
આજે ગંગા સપ્તમી અને નક્ષત્રરાજ પુષ્યનો સંયોગ છે. આનાથી રવિ યોગ ગ્રહોની સારી સ્થિતિ બનાવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કોઈપણ કાર્ય કરવાથી ઈચ્છિત મનોકામના પૂર્ણ થાય છે. પુષ્ય નક્ષત્રમાં કોઈપણ કાર્ય કરવામાં આવે તો તેની પૂર્ણતા નિશ્ચિત માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ ખાસ સંયોગમાં જ પીએમ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
પીએમ મોદી 2014થી સતત ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે.
પીએમ મોદીના નોમિનેશન દરમિયાન સીએમ યોગી તેમની પાછળ બેઠેલા જોવા મળ્યા હતા.
પીએમ મોદીના નોમિનેશનમાં એનડીએના 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના નેતાઓ હાજર રહયા હતા જેમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, એકનાથ શિંદે, ચંદ્રાબાબુ નાયડુ, સંજય નિષાદ, ઓમ પ્રકાશ રાજભર, આસામના નેતા પ્રમોદ બોરા, હરદીપ સિંહ પુરી અને અન્ય નેતાઓ પીએમ મોદીના નામાંકન સમયે હાજર રહયા હતા.
નોમિનેશન બાદ પીએમ મોદી રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં કાર્યકરો સાથે બેઠકમાં ભાગ લેશે.
આ સમય દરમિયાન તેઓ લોકસભાની ચૂંટણીની રણનીતિ અંગેની ચર્ચામાં ભાગ લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.
વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાનાર છે.