માર્ચના અંતથી બિલમાં 10 થી 30 ટકા સુધીનો વધારો ઝીંકાશે: અડધા વર્ષનો નફો 70 મિલિયનથી વધીને 95 મિલિયન ડોલર થયો

ઓકલેન્ડ: ન્યૂઝીલેન્ડના વીજ ગ્રાહકો માટે માર્ચ મહિનો મોંઘવારીનો માર લઈને આવશે. જેનેસિસ એનર્જીએ જાહેરાત કરી છે કે માર્ચના અંતથી ગ્રાહકોના વીજ બિલમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. આ આશ્ચર્યજનક જાહેરાત એવા સમયે આવી છે જ્યારે કંપનીએ તેના નફામાં મોટો ઉછાળો નોંધાવ્યો છે.

નફામાં મોટો ઉછાળો છતાં ભાવવધારો

જેનેસિસ એનર્જીએ સોમવારે જાહેર કરેલા આંકડા મુજબ, 31 ડિસેમ્બરના રોજ પૂરા થતા અર્ધવાર્ષિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો $95 મિલિયન રહ્યો છે, જે ગયા વર્ષે $70 મિલિયન હતો. કંપનીના સીઈઓ માલ્કમ જોન્સે જણાવ્યું હતું કે હાઇડ્રો-જનરેશનમાં વધારાને કારણે કંપની હોલસેલ માર્કેટમાંથી સસ્તી વીજળી ખરીદી શકી છે, જેનાથી કંપનીની કમાણીમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે.

ગ્રાહકો પર કેટલી અસર થશે?

કંપનીના ચીફ રેવન્યુ ઓફિસર સ્ટીફન ઈંગ્લેન્ડ-હોલે ‘ચેકપોઈન્ટ’ કાર્યક્રમમાં પુષ્ટિ કરી હતી કે માર્ચના અંતથી વીજળીના ભાવમાં ફેરફાર થઈ રહ્યો છે.

  • સામાન્ય વધારો: મોટાભાગના ગ્રાહકોના બિલમાં 10 થી 20 ટકાનો વધારો થશે.
  • મહત્તમ વધારો: કેટલાક ગ્રાહકોએ તો 30 ટકા જેટલા ધરખમ વધારાનો સામનો કરવો પડશે.

ભવિષ્યમાં પણ ભાવ વધી શકે છે

સીઈઓ માલ્કમ જોન્સે જણાવ્યું હતું કે હાલમાં તાત્કાલિક કોઈ વધારાની યોજના નથી, પરંતુ સ્ટીફન ઈંગ્લેન્ડ-હોલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ 2026ના બાકીના વર્ષમાં ફરી ભાવવધારો નહીં થાય તેવી કોઈ ગેરેંટી આપી શકતા નથી. તેમણે આ ભાવવધારા માટે ફુગાવો (Inflation) જવાબદાર હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે આ બાબત તેમના નિયંત્રણ બહાર છે.

કંપનીનો બચાવ

ઈંગ્લેન્ડ-હોલે દાવો કર્યો હતો કે 2021 થી અત્યાર સુધી કંપનીએ ફુગાવાનો સંપૂર્ણ બોજ ગ્રાહકો પર ન નાખવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ઉમેર્યું કે જેનેસિસ એનર્જીના દરો માર્કેટમાં ‘વાજબી’ (fair) છે અને ડેટા મુજબ તેઓ માર્કેટની અન્ય કંપનીઓની સરખામણીમાં મધ્યમ સ્તરે છે.