ભારતમાં ભૂત પ્રેત,વળગણ,લગ્નમાં કાળા કપડાં નહિ પહેરવા સહિત લાભ-શુભ ચોઘડિયામાં લગ્ન કે સારા કાર્યો કરવા અને કમુરતામાં લગ્ન કે શુભ કાર્યો ન કરવા જેવી જડ માન્યતાઓ પ્રવર્તી હોય લોકો આવા દિવસો દરમિયાન જ્યોતિષ કે વિદ્વાન બ્રાહ્મણની સલાહ લઈ કાર્ય કરતા હોય છે પણ આજના આધુનિક યુગમાં આવી માન્યતા દૂર કરવા સૌરાષ્ટ્રના રાજકોટ નજીક આવેલા કોટડા સાંગાણીના રામોદ ગામમાં એક પરિવારે બીડું ઝડપ્યું છે અને રામનવમીના દિવસે તા. 17મીના રોજ
મનસુખ ગોવિંદભાઈ રાઠોડનો પરિવાર એવું કરવા જઈ રહ્યા છે જે સાંભળી લોકોમાં ચર્ચાઓ ઉઠી છે.
આ પરિવાર સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને દૂર હડસેલી તેઓ પોતાના આંગણે આવેલા લગ્ન પ્રસંગને અલગ રીતે મનાવશે,જેમાં મંત્રોને બદલે બંધારણના સોગંદ લઈ ઊંધા ફેરા ફરી લગ્ન થશે.
મનસુખ ગોવિંદભાઈ રાઠોડ દ્વારા સ્મશાનમાં વરરાજા પરિવારને ઉતારો આપવાના છે અને લગ્નનાં પરંપરાગત રિવાજોને તિલાંજલિ આપશે.
આ અનોખા લગ્ન સમારોહ દરમિયાન કન્યા પક્ષના મોભીઓ અશુભ ગણાતા કાળા કલરના વેશ-પરિધાન ધારણ કરી જાનૈયાનું સ્વાગત કરશે અને તેઓને સ્મશાનમાં ઉતારો આપશે.

આપને જણાવી દઈએ કે કમર કોટડા ગામ નિવાસી મુકેશભાઇ નાજાભાઈ સરવૈયા પરિવારના વરરાજા જાન લઈને આવશે જેમાં વરરાજા જયેશભાઇનું સ્વાગત રામોદની કન્યા પાયલબેન કાળી સાડીના વેશ ધારણ કરી ભૂત-પ્રેતના સરઘસ સાથે સામૈયું કરશે.
એટલુંજ નહિ પણ સપ્તપદીને બદલે બંધારણનાં સોગંદ લેવામાં આવશે અને કન્યાની માતા કાળી સાડીમાં જાનનું સ્વાગત કરશે.
આ લગ્નમાં મુહૂર્ત-ચોઘડિયા વગર ઊંઘા ફેરા રાખી બંધારણના શપથ
ગ્રહણ કરાશે.
જાનના સ્મશાનમાં ઉતારા સાથે વર્ષો જુની માન્યતાને દૂર કરવામાં આવશે. આ લગ્ન સમારોહને આ રીતે સફળ બનાવવા માટે ગોવિંદભાઈ દાનાભાઈ, પ્રવિણભાઈ રાઠોડ, બાબુભાઈ રાઠોડ વગરે જહેમત ઉઠાવી રહયા છે.