અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભારે વરસાદ અને વીજળી પડવાથી 57 લોકોના મોત થયા છે.
વિગતો મુજબ બંને દેશોમાં એક હજારથી વધુ ઘરોને નુકસાન થયું હતું અને 250 થી વધુ પ્રાણીઓના પણ મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. માર્યા ગયેલા લોકોમાં અફઘાનિસ્તાનના 33 અને પાકિસ્તાનના 24 લોકોનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનમાં સૌથી વધુ મોત પંજાબ પ્રાંતમાં નોંધાયા છે. બંને દેશોના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે.
તાલિબાનના પ્રાકૃતિક આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ્લા જનાન સેકે જણાવ્યું હતું કે પૂરને કારણે રાજધાની કાબુલ અને દેશના અન્ય ઘણા પ્રાંતોને અસર થઈ છે.
પૂરને કારણે લગભગ 800 હેક્ટરનો પાક નાશ પામ્યો છે અને રસ્તાઓને નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન પશ્ચિમ ફરાહ, હેરાત, દક્ષિણી ઝાબુલ અને કંદહાર પ્રાંતમાં થયું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારમાં આગામી સમયમાં ભારે વરસાદ પડી શકે છે.