દેશમાં હાલ લોકસભા ચૂંટણીઓ ચાલી રહી છે આવા સમયે રાજકીય પક્ષો અનેક વચનોની લ્હાણી કરી રહયા છે આવા સમયે કોંગ્રેસના પિત્રોડાએ સંપત્તિની વહેંચણીવાળા અમેરિકન ટેક્સની વાત છેડીને વિવાદ ઉભો કરતા ભાજપે કોંગ્રેસને બરાબર ની ઘેરી છે.
કોંગ્રેસ હવે ચૂંટણી ટાણે એક નવા વિવાદમાં સપડાઈ ગઇ છે.
વાત જાણે એમ બની કે ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ અમેરિકાના ઈનહેરિટેન્સ ટેક્સ એટલે કે વારસા ટેક્સની વાત કરી જનતાને ફાયદો કરવાની વાત કરી હંગામો મચાવ્યો છે.
આ એવો ટેક્સ જે મૃતકની સંપત્તિ તેના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે લગાવવામાં આવે છે.
પિત્રોડાનું કહેવું છે કે અમેરિકામાં ઈન્હેરિટેન્સ ટેક્સ લાગે છે. તેનો અર્થ એ છે કે જો કોઈની પાસે 10 કરોડ ડોલરની સંપત્તિ હોય તો તેના મૃત્યુ બાદ બાળકોને ફક્ત 45 ટકા સંપત્તિ જ મળી શકે અને બાકીની 55 ટકા સંપત્તિ સરકાર લઈ લે છે.
પિત્રોડાએ કહ્યું કે ભારતમાં આવો કાયદો નથી, અહીં જો કોઈની પાસે 10 અબજ રૂપિયાની સંપત્તિ હોય તો મૃત્યુ બાદ તેના બાળકોને જ તમામ સંપત્તિ મળે છે, જનતા માટે કશું બચતું નથી.
પિત્રોડાના આ નિવેદન પર રાજકીય રંગ લાગ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢની સરગુજાની રેલીમાં બુધવારે કહ્યું કે કોંગ્રેસના ખતરનાક ઈરાદાઓ ખુલીને સામે આવ્યા છે, આથી તેઓ ઈન્હેરિટેન્સ ટેક્સની વાત કરે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ કહ્યું કે પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસ પાર્ટી એક્સપોઝ થઈ ગઈ છે.
ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ કહ્યું કે કોંગ્રેસે દેશને બરબાદ કરવાનો નિર્ણય લીધો છે.
જોકે, કોંગ્રેસે પિત્રોડાના આ નિવેદનથી અંતર જાળવ્યું રાખ્યુ છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય રજૂ કરવાની આઝાદી છે. પરંતુ તેનો અર્થ એ નથી કે પિત્રોડાના વિચાર સાથે કોંગ્રેસ સહમત હોય.
હવે લોકોમાં જિજ્ઞાસા વધી ગઈ છે કે આ વારસા ટેક્સ (ઈન્હેરિટેન્સ ટેક્સ) શું છે, તે કોના પર લાગે છે અને કેટલો લાગે છે.
વાસ્તવમાં ઈન્હેરિટેન્સ ટેક્સ એ એવો ટેક્સ છે જે કોઈ વ્યક્તિના મોત બાદ તેની સંપત્તિની વહેંચણી પર લાગે છે. અમેરિકાના છ રાજ્યોમાં ઈન્હેરિટેન્સ ટેક્સ વસૂલવામાં આવે છે. જોકે આ ટેક્સ તે વાત પર નિર્ભર કરે છે કે મૃતક વ્યક્તિ ક્યાં રહતો હતો અને વારસદારો સાથે તેના શું સંબંધ હતા.
બીજું કે અમેરિકામાં કેન્દ્રીય સ્તર પર આ ઈન્હેરિટેન્સ ટેક્સ લાગતો નથી પણ 6 રાજ્યો જેવાકે આયોવા, કેન્ટકી, મેરીલેન્ડ, નેબ્રાસ્કા, ન્યૂઝર્સી અને પેન્સિલ્વેનિયામાં આ ટેક્સ લાગે છે. જો કે આયોવામાં 2025 સુધીમાં આ ટેક્સને ખતમ કરી દેવામાં આવશે. દરેક રાજ્યમાં ટેક્સના દર અલગ અલગ છે.
આયોવા- અહીં 1થી 4 ટકા સુધી ઈન્હેરિટેન્સ ટેક્સ લાગે છે. પતિ-પત્ની, બાળકો, સાવકા બાળકો, માતા પિતા, દાદા દાદી, પૌત્ર-પૌત્રીઓ, પરદાદા વગેરેને ટેક્સમાં છૂટ છે.
આ સિવાય જો મૃતક કોઈ અન્યને પોતાની સંપત્તિનો વારસદાર બનાવે તો તેણે ઈન્હેરિટેન્સ ટેક્સ ચૂકવવો પડે છે. જો સંપત્તિ કોઈ ચેરિટીમાં દાન કરવામાં આવે તો 500 ડોલર સુધી છૂટ મળે છે.
કેન્ટકી- આ રાજ્યમાં મૃતક સાથે સંબંધના આધાર પર ટેક્સ લાગે છે. એક હજાર ડોલરથી વધુની સંપત્તિ હોય તો તેના પર 4ટકાથી 16 ટકા સુધીનો ટેક્સ લાગે છે. પતિ-પત્ની, માતા પિતા, બાળકો, સાવકા બાળકો, પૌત્ર-પૌત્રીઓ અને ભાઈ બહેનોને ટેક્સમાં છૂટ મળે છે.
મેરીલેન્ડ- એક હજાર ડોલરથી વધુની સંપત્તિ હોય તો 10 ટકા ટેક્સ ભરવો પડે છે. પતિ-પત્ની, બાળકો, માતા પિતા, દાદા દાદી, પૌત્ર-પૌત્રીઓ, ભાઈ બહેન, ચેરિટીને તેમાં છૂટ મળેલી છે. મેરીલેન્ડ એ રાજ્ય છે જ્યાં ઈન્હેરિટેન્સ ટેક્સની સાથે સાથે એસ્ટેટ ટેક્સ એટલે કે સંપત્તિ કર પણ ભરવો પડે છે.
નેબ્રાસ્કા- અહીં મૃતક સાથે સંબંધના આધાર પર ટેક્સના દર અલગ અલગ છે. માતા પિતા, બાળકો, ભાઈ બહેનો, અને દાદા દાદીને એક લાખ ડોલરથી વધુની સંપત્તિ પર 1 ટકો ટેક્સ ચૂકવવો પડે છે.
કાકા કાકી, ભત્રીજા-ભત્રીજીએ 40 હજાર ડોલરથી વધુની સંપત્તિ પર 11 ટકા ટેક્સ ભરવો પડે છે. જ્યારે બાકીના તમામ વારસદારોને 25 હજાર ડોલરથી વધુની સંપત્તિ પર 15 ટકા ટેક્સ ભરવાનો રહે છે. 22 વર્ષથી ઓછી ઉંમરના તમામ વારસદારોને ટેક્સમાં છૂટ મળેલી છે.
ન્યૂ જર્સી-અહીં 11 ટકાથી 16 ટકા ઈન્હેરિટેન્સ ટેક્સ લાગે છે. પતિ-પત્ની, બાળકો, માતા પિતા, દાદા દાદી, પૌત્ર પૌત્રીઓ અને ચેરિટીને છૂટ છે. ભાઈ બહેનો અને પુત્ર પુત્રવધુઓને 25 હજાર ડોલર સુધીની સંપત્તિ પર છૂટ મળેલી છે.
પેન્સિલ્વેનિયા- આ રાજ્યમાં પણ ટેક્સના દર અલગ અલગ છે. સાડા ત્રણ હજાર ડોલરથી વધુની સંપત્તિ પર તમામ વારસદારોએ ટેક્સ ભરવો પડે છે. માતા પિતા, બાળકો અને દાદા દાદીએ 4.5 ટકા, ભાઈ બહેનોએ 12 ટકા અને બાકીના વારસદારોએ 15 ટકા ટેક્સ ભરવો પડે છે. 21 વર્ષથી ઓછી ઉંમરના વારસદારો પર કોઈ ટેક્સ લાગતો નથી.
એસ્ટેટ ટેક્સ પણ લાગે છે
અમેરિકામાં ફેડરલ સ્તર પર તો ઈન્હેરિટેન્સ ટેક્સ લાગતો નથી પરંતુ એસ્ટેટ ટેક્સ દેશભરમાં લાગૂ થાય છે. જે રાજ્યોમાં ઈન્હેરિટેન્સ ટેક્સ લાગૂ છે ત્યાં મૃતકોના વારસદારોએ તેની સાથે સાથે એસ્ટેટ ટેક્સ એટલે કે સંપત્તિ વેરો પણ ચૂકવવો પડે છે. અમેરિકામાં એસ્ટેટ ટેક્સનો દર 15 ટકાથી 20 ટકા છે.
ગત વર્ષ સુધી 1.29 કરોડ જોલર એટલે કે તેનાથી વધુ સંપત્તિ પર એસ્ટેટ ટેક્સ ભરવો પડતો હતો. આ વર્ષથી ત્યાં 1.36 કરોડ ડોલર કે તેનાથી વધુની સંપત્તિ પર એસ્ટેટ ટેક્સ ચૂકવવો પડે છે.
ઈન્હેરિટેન્સ ટેક્સથી પણ બચવાના પણ કેટલાક રસ્તા છે. જો કે તે ત્યારે જ થાય કે જ્યારે જે તે વ્યક્તિએ પોતાના મોત પહેલા પોતાની સંપત્તિની ફાળવણી કરી નાખી હોય.
અમેરિકામાં 18 હજાર ડોલર સુધીની ગિફ્ટ પર કોઈ ટેક્સ લાગતો નથી. જો કોઈ વ્યક્તિ પોતાના મોત બાદ વારસદારોને લાગતા ઈન્હેરિટેન્સ ટેક્સથી બચાવવા માંગતા હોય તો તેઓ પોતાના જીવતે જીવ સંપત્તિ ગિફ્ટમાં આપી શકે છે. જ્યારે પરણિત કપલ 36 હજાર ડોલર સુધીની ગિફ્ટ આપી શકે છે.
આમ,અમેરિકાના ઈન્હેરિટેન્સ ટેક્સની વાત પિત્રોડાએ ભારતમાં મૂકીને વિવાદ સર્જ્યો છે.