1 જૂનથી લેવલ-3 નોકરીઓ માટે પણ અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજિયાત, એમ્પ્લોયર વર્ક વિઝા (AEWV) ધારકો માટે ઈમિગ્રેશન વિભાગનો નવો નિયમ; વર્તમાન વિઝા ધારકોને ચોક્કસ શરતો સાથે રાહત
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ:
ન્યુઝીલેન્ડ સરકાર દ્વારા એક્રેડિટેડ એમ્પ્લોયર વર્ક વિઝા (AEWV) ના નિયમોમાં વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી 1 જૂન ૨૦૨૬ થી, ANZSCO અથવા NOL (નેશનલ ઓક્યુપેશન લિસ્ટ) ના સ્કિલ લેવલ ૩ (Skill Level 3) હેઠળ આવતી તમામ નોકરીઓ માટે લઘુત્તમ અંગ્રેજી ભાષાની આવશ્યકતા (English language requirements) લાગુ કરવામાં આવશે.
અત્યાર સુધી આ નિયમ માત્ર સ્કિલ લેવલ 4 અને 5 ની નોકરીઓ માટે જ ફરજિયાત હતો, પરંતુ હવે લેવલ ૩ ના અરજદારોએ પણ પોતાની નાગરિકતા, અભ્યાસ, કામના અનુભવ અથવા અધિકૃત અંગ્રેજી ભાષાની ટેસ્ટ (જેમ કે IELTS વગેરે) પાસ કરીને આ શરત પૂરી કરવી પડશે.
નવો નિયમ લાવવા પાછળનું મુખ્ય કારણ
સરકારના જણાવ્યા અનુસાર, અંગ્રેજી ભાષાની આવશ્યકતાનો વ્યાપ વધારવાથી વિદેશી કામદારો ન્યુઝીલેન્ડના સમાજમાં વધુ સારી રીતે ભળી શકશે. આ ઉપરાંત, તેઓ પોતાના અધિકારો અને જવાબદારીઓને યોગ્ય રીતે સમજી શકશે, જેથી નિયમોનું પાલન ન કરનારા એમ્પ્લોયર્સ (માલિકો) સામે તેઓ અવાજ ઉઠાવી શકે અને શોષણથી બચી શકે.
કોને રાહત મળશે? (ટ્રાન્ઝિશનલ એરેન્જમેન્ટ્સ)
હાલમાં ન્યુઝીલેન્ડમાં કામ કરી રહેલા પ્રવાસીઓ માટે ન્યાયી વાતાવરણ જળવાઈ રહે તે માટે ઈમિગ્રેશન વિભાગે નીચે મુજબની વચગાળાની રાહતો જાહેર કરી છે:
- 1 ડિસેમ્બર 2026 કે તે પહેલા વિઝા પૂરા થતા હોય: જે કામદારોના વર્તમાન AEWV વિઝા 1 ડિસેમ્બર 2026 ના રોજ અથવા તે પહેલા પૂરા થઈ રહ્યા છે, તેઓ જ્યારે સ્કિલ લેવલ ૩ માટે આગળના નવા વિઝા અરજી કરશે ત્યારે તેમને આ નવી અંગ્રેજીની શરતમાંથી મુક્તિ આપવામાં આવશે.
- અગાઉ પુરાવો સબમિટ કર્યો હોય: જે પ્રવાસીઓએ અગાઉની કોઈ AEWV અરજી દરમિયાન અંગ્રેજી ભાષાના જ્ઞાનનો પુરાવો આપી દીધો છે, તેમને પણ ફરીથી આ નિયમ લાગુ પડશે નહીં.
- સિઝનલ વિઝા ધારકો: ગ્લોબલ વર્કફોર્સ સિઝનલ વિઝા અને પીક સિઝનલ વિઝા ધરાવતા અરજદારોને આ લઘુત્તમ અંગ્રેજીની શરત લાગુ પડશે નહીં. આ ઉપરાંત, ‘જોબ ચેન્જ’ (Job Change) ની અરજીઓ પર પણ આ નિયમની અસર નહીં થાય.
એમ્પ્લોયર્સ અને માલિકો માટે મહત્વની સૂચના
જે સ્થળાંતરિતો (Migrants) 1 જૂન 2026 થી અથવા ત્યારપછી સ્કિલ લેવલ ૩ હેઠળ AEWV માટે અરજી કરશે, તેમણે ફરજિયાત અંગ્રેજીની શરત પૂરી કરવી જ પડશે. જો એમ્પ્લોયરને 1 જૂન 2026 પહેલા ‘જોબ ચેક ટોકન’ (Job Check Token) મળી ગયું હોય, તો પણ અરજદારે નવા નિયમ મુજબ જ અંગ્રેજીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. તેથી, એમ્પ્લોયર્સે હવેથી જ તે મુજબનું આયોજન શરૂ કરી દેવાની સલાહ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.