કચ્છની વિવિધ હસ્તકલાઓમાં 5 હજાર વર્ષ જૂની “અજરખ કલા”ની એક પોતીકી ઓળખ છે.
કચ્છની આ કલા પાંચ હજાર વર્ષ કરતા પણ જૂની હોવાનું મનાય છે પણ હવે છેલ્લાં 500 વર્ષ કરતા પણ વધુ સમયથી  “અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકલા” પર કામ થાય છે.
જોકે હવે તેની નકલ કરવાનું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે હવે આ કલાની ઓળખને અકબંધ રાખવા તેને “જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ્સ” મતલબ “GI ટેગ” આપવામાં આવ્યું છે.
કચ્છી ખારેક બાદ કચ્છી અજરખ કળાને હવે GI ટેગની માન્યતા મળતાં કારીગરોમાં ખુશીની લાગણી પ્રસરી છે.

મહત્વનુ છે કે અમદાવાદ ખાતે GI રજિસ્ટ્રાર ઉન્નત પંડિતના હસ્તે આ હસ્તકલા વિકાસ સંગઠનનું સન્માન કરવામાં આવ્યું છે

કચ્છી અજરખ ખાસ કરીને કપડા ઉપર કરાય છે,અજરખ કોટન, ઉન અને સિલ્ક કપડામાં જોવા મળે છે. વર્ષો પહેલા આ પ્રિન્ટ ખાસ કરીને માલધારી સમાજ માટે જ બનાવવામાં આવતી અને તેમની મહિલાઓ આ પ્રિન્ટના કપડા પહેરવાનું વધારે પસંદ કરતી.

અજરખ મોટેભાગે ઘેરા રંગોમાં જોવા મળે છે. આનું કારણ એ છે કે જો કોઈ રણ વિસ્તારમાં ખોવાઈ જાય તો દૂરથી પણ તેને જોવામાં મદદ મળી શકે. આ સાથે અજરખ માટે નેચરલ ડાઈનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઉનાળામાં ઠંડક આપે અને શિયાળામાં ગરમાટો આપવાનું કામ કરે છે. આનું કારણ ડાઈના જે કણો છે તે શિયાળામાં બંધ થાય અને ઉનાળામાં ખુલી જાય છે, તેમ માનવામાં આવે છે.
જેના કારીગર અને કલાગીરી સિંધ, બારમેર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળે છે.
અજરખ ડાઈની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તે સો ટકા ઈકો ફ્રેન્ડલી છે. પંદર સ્ટેપ્સમાં ડાઈ બને છે જેમાં ફૂડ, ફ્રુટ્સ, ફ્લાવર્સ, અને સ્પાઈસિસનો ઉપયોગ થાય છે. અજરખમાં કપડાની બન્ને બાજુએ એક સરખી ડિઝાઈન હોય એટલે તમે કપડું બન્ને બાજુ ઉપયોગમાં લઈ શકો. આ કલાકારી ખાસ કરીને ત્રણ ગામ અજરખ, ધામકડા અને ખાવડા ગામમાં જોવા મળે છે. આ કલાગીરી સાથે જોડાયેલા લોકો લગભગ 400 વર્ષ પહેલા ધમાકડા ગામે રાજા રાવ ભારમલજીના આમંત્રણથી આવ્યા હતા.

1950માં જ્યાર ડાઈમાં કેમિકલનો ઉપયોગ થવા માંડ્યો ત્યારે અજરખની માગમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ દેશ-વિદેશના યુવાન વિદ્યાર્થીઓએ આ ક્ષેત્રમાં રસ લેતા ફરી અજરખની ડિમાન્ડ વધી છે.

આજે મોટા મોટા ફેશન શૉમાં પણ અજરખ પ્રિન્ટનો ઉપયોગ થાય છે. કચ્છમાં લગભગ 170 જેટલા ઉત્પાદકો આ કામ સાથે જોડાયેલા છે. કચ્છી અજરખની પ્રિન્ટ મહેનત માગી લે તેવી છે તેની અનોખી પ્રિન્ટને લીધે દુનિયાભરમાં અજરખ જાણીતું છે.
આમેય ગુજરાતને ભવ્ય કળા અને કારીગરીનો વારસો મળેલો છે.
વણાટ, કોતરણી, છાપકામ, કાંચકામ જેવી કળા ગુજરાત-કચ્છ-સૌરાષ્ટ્રની આગવી ઓળખ છે ત્યારે ‘અજરખ કળા’ને હવે વૈશ્વિક ઓળખ મળતા ગુજુજુઓમાં ખુશીની લાગણી પ્રસરી છે.