ઓકલેન્ડની ‘ઇન્ડિયન ટેસ્ટ’ રેસ્ટોરન્ટના માલિકે કર્મચારીઓ પાસે 90 કલાક સુધી વૈતરૂં કરાવીને માત્ર 30 કલાકનો જ પગાર આપ્યો
ઓકલેન્ડના એક રેસ્ટોરન્ટ માલિકે માઇગ્રન્ટ વર્કર્સનું “ક્રૂરતાપૂર્વક” શોષણ કરવા બદલ લગભગ $400,000 ચૂકવવા પડશે. આ કર્મચારીઓને અઠવાડિયામાં 30 કલાકના કામનો પગાર અપાતો હતો, પરંતુ તેમની પાસે તેનાથી ત્રણ ગણું વધારે કામ લેવામાં આવતું હતું. એમ્પ્લોયમેન્ટ રિલેસન્સ ઓથોરિટી (ERA) એ આજે જણાવ્યું કે, ‘ધ ઇન્ડિયન ટેસ્ટ લિમિટેડ’ (The Indian Taste Ltd) રેસ્ટોરન્ટ અને તેના ભૂતપૂર્વ ડિરેક્ટર ક્રિષ્ના ખંડેલવાલે (Krishna Khandelwal) રોજગારના અનેક નિયમોનો ભંગ કર્યો છે.
રેસ્ટોરન્ટને તેના 7 કર્મચારીઓને બાકી નીકળતા પગાર પેટે આશરે $200,000 ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, કંપનીના એકમાત્ર ડિરેક્ટર ખંડેલવાલને માઇગ્રન્ટ વર્કર્સના શોષણ બદલ $177,300 નો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાંથી $35,000 તમામ 7 કર્મચારીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવશે.
અઠવાડિયામાં 60 થી 90 કલાક કામ, પણ પગાર માત્ર 30 કલાકનો
કર્મચારીઓ પાસે નિયમિતપણે અઠવાડિયામાં 60 થી 90 કલાક કામ લેવામાં આવતું હતું પરંતુ તેમને માત્ર 30 કલાકની આસપાસનો જ પગાર અપાતો હતો. એટલું જ નહીં, કેટલાક કર્મચારીઓ જ્યારે શરૂઆતમાં નોકરી પર લાગ્યા ત્યારે તેમની પાસે પ્રથમ 1 થી 2 અઠવાડિયા સુધી વિના વેતને (મફતમાં) કામ કરાવવામાં આવ્યું હતું.
લેબર ઇન્સ્પેક્ટોરેટના માઇગ્રન્ટ એક્સપ્લોઇટેશન (માઇગ્રન્ટ શોષણ) મેનેજર સેમ મિલ્સે જણાવ્યું કે, “આ અસહાય માઇગ્રન્ટ વર્કર્સ, જેમાંથી ઘણાને અંગ્રેજીનું મર્યાદિત જ્ઞાન હતું અને ન્યુઝીલેન્ડના રોજગાર કાયદાની બહુ ઓછી સમજ હતી, તેમનું કંપની અને તેના માલિકના અંગત સ્વાર્થ માટે ‘ક્રૂરતાપૂર્વક શોષણ’ કરવામાં આવ્યું હતું. આ નિયમભંગ સતત, ઇરાદાપૂર્વક અને ગેરકાનૂની રીતે સસ્તો શ્રમ મેળવવાના હેતુથી કરવામાં આવ્યો હતો.”
મિલ્સે ઉમેર્યું કે, ઇન્સ્પેક્ટોરેટને March અને December 2024 વચ્ચે આ નિયમભંગ અંગે ઘણી ફરિયાદો મળી હતી અને 9 મહિનાની લાંબી તપાસ બાદ આ દંડ ફટકારવામાં આવ્યો છે.
કયા નિયમોનો ભંગ કરવામાં આવ્યો?
- લઘુત્તમ વેતન (Minimum wage) ન ચૂકવવું.
- પગારમાંથી ગેરકાયદેસર કપાત કરવી.
- વાર્ષિક રજાઓ (Annual holiday) અને વૈકલ્પિક રજાઓના હકદાર કર્મચારીઓને ચૂકવણી ન કરવી.
- નોકરી આપવાના બદલામાં કામદારો પાસેથી પ્રીમિયમ (પૈસા) માંગવા.
- વેતન અને રજાઓનો સચોટ રેકોર્ડ રાખવામાં નિષ્ફળ જવું.
સેમ મિલ્સે જણાવ્યું કે આ “મોટો” દંડ એવા એમ્પ્લોયરો માટે એક કડક ચેતવણી સમાન છે જેઓ ન્યુઝીલેન્ડમાં નવું જીવન બનાવવા માંગતા અસહાય લોકોનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે.
ERA ના સભ્ય મેથ્યુ પાઇપરે જણાવ્યું કે સંબંધિત સમયગાળા દરમિયાન ‘ધ ઇન્ડિયન ટેસ્ટ’ના તમામ નિર્ણયો પર ખંડેલવાલનું નિયંત્રણ હતું. તેમણે કહ્યું, “ધ ઇન્ડિયન ટેસ્ટના શેરહોલ્ડર તરીકે, મિસ્ટર ખંડેલવાલે માઇગ્રન્ટ વર્કર્સને ઓછો પગાર આપીને આર્થિક લાભ મેળવ્યો હતો. આમ કરીને તેઓ કાયદાનું પાલન કરતા અને સમાન પ્રોડક્ટ્સ વેચતા અન્ય વ્યવસાયો સાથે ન્યાયી સ્પર્ધા કરવામાં પણ નિષ્ફળ રહ્યા હતા.”
પાઇપરે વધુમાં જણાવ્યું કે આ નુકસાન માત્ર ન ચૂકવાયેલા પગાર પૂરતું મર્યાદિત નહોતો. શોષણનો ભોગ બનેલા માઇગ્રન્ટ વર્કર્સને ઊંચા વ્યાજે પૈસા ઉધાર લેવા પડ્યા હતા, પર્સનલ લોન લેવી પડી હતી અને તેઓ વિદેશમાં રહેતા પોતાના પરિવારને પણ આર્થિક મદદ કરી શક્યા નહોતા.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો કોઈને પણ લાગે કે કાર્યસ્થળ પર તેમની સાથે અથવા અન્ય કોઈની સાથે અન્યાય થયો છે, તો તેઓ મિનિસ્ટ્રી ઓફ બિઝનેસ, ઇનોવેશન એન્ડ એમ્પ્લોયમેન્ટના કોન્ટેક્ટ સેન્ટર પર 0800 209 020 નંબર પર કૉલ કરી શકે છે, જ્યાં તેમની ચિંતાઓને સુરક્ષિત વાતાવરણમાં સાંભળવામાં આવશે.