નવનીત કૌર અને સુનિલીતા ટોપ્પોના શાનદાર ગોલની મદદથી ભારતે યજમાન ટીમને હરાવીને ટાઇટલ જીત્યું; પ્રો લીગ પ્રમોશન સાથે ઓલિમ્પિક ક્વોલિફાયરની ટિકિટ મેળવી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ભારતીય મહિલા હોકી ટીમે રવિવારે અહીં રમાયેલી ફાઇનલ મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડને ૨-૦ થી હરાવીને ‘FIH વિમેન્સ નેશન્સ કપ ૨૦૨૫-૨૬’ નું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ઓકલેન્ડના નોર્થ હાર્બર નેશનલ હોકી સેન્ટર ખાતે રમાયેલા આ હાઈ-પ્રોફાઈલ મુકાબલામાં જીત મેળવવાની સાથે જ ભારતીય ટીમે વિમેન્સ એફઆઈએચ (FIH) પ્રો લીગમાં ગૌરવપૂર્ણ વાપસી કરી લીધી છે.
પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય ટીમનો દબદબો
વિશ્વ રેન્કિંગમાં ૯ માં ક્રમે રહેલી ભારતીય ટીમે શરૂઆતથી જ ૧૦ માં ક્રમાંકિત ન્યૂઝીલેન્ડની ટીમ પર દબાણ બનાવ્યું હતું. મેચની ચોથી જ મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, જેને અનુભવી સ્ટ્રાઈકર નવનીત કૌરે ગોલમાં ફેરવીને ટીમને ૧-૦ ની સરસાઈ અપાવી દીધી હતી.
ત્યારબાદ પ્રથમ ક્વાર્ટરની અંતિમ મિનિટોમાં (૧૫ મી મિનિટે) ભારતને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો, જેમાં સુનિલીતા ટોપ્પોએ ડ્રેગફ્લિકને શાનદાર રીતે ડિફ્લેક્ટ કરીને સ્કોર ૨-૦ કરી દીધો હતો.
ભારતીય ડિફેન્સનું મજબૂત પ્રદર્શન
પ્રથમ હાફમાં ૨-૦ થી આગળ રહ્યા બાદ, ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં યજમાન ન્યૂઝીલેન્ડની ટીમ (બ્લેક સ્ટિક્સ) એ મેચમાં વાપસી કરવા માટે આક્રમણ તેજ કર્યું હતું. જોકે, કેપ્ટન સલીમા ટેટેની આગેવાનીમાં ભારતીય ડિફેન્સે અદભુત પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. ભારતીય ગોલકીપર બીચુ દેવી ખારીબમ સજાગ રહી હતી અને ન્યૂઝીલેન્ડને છેલ્લી ઘડી સુધી એક પણ ગોલ કરવા દીધો ન હતો.
પ્રો લીગમાં પ્રમોશન અને લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ક્વોલિફિકેશન
આ જીત સાથે ભારતીય મહિલા હોકી ટીમે આગામી ૨૦૨૬-૨૭ ની સીઝન માટે એફઆઈએચ પ્રો લીગ (Pro League) માં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. આ પ્રમોશન ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આગામી પ્રો લીગ સીઝન એ લોસ એન્જલસ (LA) ૨૦૨૮ ઓલિમ્પિક માટે સીધી ક્વોલિફાયર તરીકે પણ કામ કરશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ ૨૦૨૪-૨૫ ની સીઝનમાં છેલ્લા સ્થાને રહેતા પ્રો લીગમાંથી રેલિગેટ (બહાર) થઈ હતી, પરંતુ માત્ર એક જ વર્ષમાં ભારતે શાનદાર વાપસી કરી છે.