નોકરી આપવાના બહાને કર્મચારી પાસેથી ગેરકાયદેસર રીતે $23,300 પડાવ્યા, એમ્પ્લોયમેન્ટ રિલેશન ઓથોરિટીની કડક કાર્યવાહી

ન્યુઝીલેન્ડના બે ઓફ પ્લેન્ટી (Bay of Plenty) માં કીવીફ્રૂટનો વ્યવસાય ચલાવતા તરુણ ગૌતમે પોતાના એક કર્મચારીને નોકરી આપવા અને વર્ક વિઝા સુરક્ષિત કરવા માટે તેની પાસેથી $23,300 (આશરે 11-12 લાખ રૂપિયા) ની મોટી રકમ વસૂલી હતી. આ રકમ ન્યુઝીલેન્ડ અને ભારતના અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

જો કે, જગમીત સિંહ નામના આ કર્મચારીએ જ્યારે કામ શરૂ કર્યું, ત્યારે તેને કાયદા મુજબ મળવાપાત્ર વાર્ષિક રજાઓ (annual leave), જાહેર રજાઓના લાભો કે લઘુત્તમ વેતન (minimum wage) પણ આપવામાં આવતું ન હતું. લેબર ઇન્સ્પેક્ટર દ્વારા ૮ મહિના લાંબી ચાલેલી તપાસ બાદ આ મામલો એમ્પ્લોયમેન્ટ રિલેશન ઓથોરિટી (ERA) માં પહોંચ્યો હતો.

વિઝાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને શોષણ કર્યું

અધિકારી કલેર ઇંગ્લિશની તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીના પાંચ કર્મચારીઓ — જય શિવા, વિનાયક ચોપરા, રમન શેખર, જગમીત સિંહ અને ફૂલમીત કૌર — તેમના વર્ક વિઝા માટે આ કંપની પર નિર્ભર હતા.

તેમણે ચુકાદામાં નોંધ્યું:

“આ એક એવો કિસ્સો છે જ્યાં સત્તાના અસંતુલનનો લાભ ઉઠાવીને, એક અનુભવી સ્થાનિક ઉદ્યોગપતિએ ન્યુઝીલેન્ડમાં આવેલા અસહાય સ્થળાંતરિતો (immigrants) ને લઘુત્તમ રોજગાર અધિકારો આપ્યા વિના તેમનું શોષણ કર્યું.”

તપાસમાં જાણવા મળ્યું કે કર્મચારીઓ કાયદાકીય અધિકારોથી વંચિત હતા અને ત્રણ કર્મચારીઓ (શેખર, સિંહ અને શિવા) ના પગારના કુલ $8,203 બાકી નીકળતા હતા. જગમીત સિંહે જણાવ્યું કે તેણે ભારત અને ન્યુઝીલેન્ડમાં તરુણ ગૌતમ અને તેની માતા (અરુણ બાલા) ના નામે પૈસા મોકલ્યા હતા. જો કે, ઓથોરિટીએ માત્ર ન્યુઝીલેન્ડના ખાતામાં જમા થયેલા $11,276 જ પરત અપાવવાનો આદેશ કર્યો છે, કારણ કે સ્થાનિક કાયદા હેઠળ માત્ર ન્યુઝીલેન્ડના ટ્રાન્ઝેક્શનને જ ઓર્ડરમાં આવરી શકાય છે.

દંડ અને વળતરની વિગતો

અદાલતે રોજગાર કાયદાના કુલ 12 ઉલ્લંઘનો (જેમાં રેકોર્ડ ન રાખવો, લઘુત્તમ વેતન ન આપવું અને ગેરકાયદેસર પ્રીમિયમ લેવું સામેલ છે) બદલ તરુણ ગૌતમ અને તેની કંપની ‘હરિઓમ હોર્ટિકલ્ચર લિમિટેડ’ (જે હવે બંધ થઈ ગઈ છે) ને નીચે મુજબ આદેશ કર્યો છે:

  • કુલ દંડ: તરુણ ગૌતમને વ્યક્તિગત રીતે $40,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
  • કર્મચારીઓને વળતર: ભોગ બનેલા પાંચેય કર્મચારીઓને દંડની રકમમાંથી $5,000-$5,000 ચૂકવવામાં આવશે.
  • જગમીત સિંહને વિશેષ વળતર: ગેરકાયદેસર રીતે પૈસા પડાવવાના બદલામાં જગમીત સિંહને વધારાના $5,000 ચૂકવવાનો આદેશ કરાયો છે (એટલે કે તેને કુલ $10,000 મળશે).
  • બાકીની રકમ સરકારી ખાતામાં જશે.

Horticulture ક્ષેત્રમાં કડક કાર્યવાહી

લેબર ઇન્સ્પેક્ટોરેટના લીડ ઇન્સ્પેક્ટર કેવિન ફિનેગને જણાવ્યું કે, કીવીફ્રૂટ અને બાગાયત ક્ષેત્રની અન્ય કંપનીઓએ આ કડક સજામાંથી પાઠ લેવો જોઈએ. મોટાભાગના બગીચાના માલિકો કાયદાનું પાલન કરે છે, પરંતુ કેટલાક લોકો સ્પર્ધામાં આગળ નીકળવા માટે ગરીબ અને લાચાર લોકોનું શોષણ કરે છે જે સાંખી લેવાશે નહીં.

ગયા મહિને જ સરકારે બે ઓફ પ્લેન્ટીમાં ‘ઓપરેશન ઇન્ડિગો’ (Operation Indigo) અંતર્ગત 21કંપનીઓ અને ઓર્કાર્ડ (બગીચાઓ) પર દરોડા પાડ્યા હતા, જે અંતર્ગત કાયદો તોડનારાઓ સામે આગામી સમયમાં વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.