મમતા બેનર્જીનો હાર બાદ હુંકાર: ભાજપે ૧૦૦ બેઠકોની લૂંટ કરી છે’, ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચેની મિલીભગતનો આક્ષેપ, ‘ઈન્ડિ’ ગઠબંધનના સાથીઓ સમર્થનમાં

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામોમાં તૃણમૂલ કોંગ્રેસની કરારી હાર બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે તેમણે પોતાના જીવનમાં ક્યારેય આવી ચૂંટણી જોઈ નથી. મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપે ષડયંત્ર અને ગંદા ખેલ દ્વારા સત્તા હાંસલ કરી છે અને SIR (એસઆઇઆર) દ્વારા લાખો મતદારોના નામ હટાવીને લોકશાહી સાથે ચેડાં કર્યા છે.

ચૂંટણી પંચ પર આક્ષેપો અને ભવિષ્યની રણનીતિ

TMC અધ્યક્ષે ચૂંટણી પંચના મુખ્ય કમિશનર (CEC) ને ‘ખલનાયક’ ગણાવતા EVM ની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે વોટિંગ બાદ EVM માં 80-90% ચાર્જિંગ કેવી રીતે હોઈ શકે?. વધુમાં તેમણે જણાવ્યું કે ચૂંટણી પહેલા IPS અને IAS અધિકારીઓની બદલી કરીને અને 90 લાખ જેટલા નામો યાદીમાંથી હટાવીને ભાજપ અને પંચે ‘બેટિંગ’ કરી છે.

હાર બાદ પોતાની સ્થિતિ અંગે તેમણે કહ્યું કે, “હવે મારી પાસે કોઈ ખુરશી નથી, તેથી હું એક સામાન્ય આદમી અને આઝાદ પંખી છું”. તેમણે ઉમેર્યું કે તેઓ હવે ભારત (INDIA) ગઠબંધનને મજબૂત કરવા પર ધ્યાન આપશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સહિતના નેતાઓએ તેમને ફોન કરીને સમર્થન જાહેર કર્યું છે અને ટૂંક સમયમાં તમામ વિપક્ષી નેતાઓ તેમની મુલાકાત લેશે.