હિલ્ટન હોટલમાં 2300 મહેમાનોની હાજરીમાં મચી અફરાતફરી; સિક્રેટ સર્વિસે ટ્રમ્પ અને મેલાનિયાને સુરક્ષિત બહાર કાઢ્યા, હુમલાખોરની ઓળખ 31 વર્ષીય Cole Thomas Allen તરીકે થઈ

વોશિંગ્ટનની હિલ્ટન હોટલમાં શનિવારે રાત્રે ‘વ્હાઈટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને 2300 થી વધુ મહેમાનો હાજર હતા. રાત્રે 8:35 કલાકે (ભારતીય સમય મુજબ સવારે 6:05) જ્યારે ટ્રમ્પ ભાષણ આપવાના હતા, ત્યારે અચાનક હોટલની લોબીમાં ગોળીબારનો અવાજ સંભળાયો. આ અવાજ સાંભળતા જ હોલમાં હાજર મહેમાનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો જીવ બચાવવા ટેબલની નીચે છુપાઈ ગયા હતા.

હુમલાખોર કોણ હતો અને તે અંદર કેવી રીતે પહોંચ્યો?

તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાખોરની ઓળખ 31 વર્ષીય Cole Thomas Allen તરીકે થઈ છે, જે કેલિફોર્નિયાનો રહેવાસી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે એલન તે હોટલનો જ મહેમાન હતો અને ત્યાં રોકાયો હતો. આ જ કારણ હતું કે તે બપોરે 2:00 વાગ્યા પછીની કડક સુરક્ષા તપાસમાંથી બચી ગયો અને હોટલની અંદર સુધી પહોંચવામાં સફળ રહ્યો. તેની પાસેથી એક શૉટગન, હેન્ડગન અને અનેક છરીઓ મળી આવી છે. સીસીટીવી કેમેરામાં તે સુરક્ષા બેરિકેડ તોડીને ડિનર હોલ તરફ વધતો જોવા મળ્યો હતો.

Suspect in White House Correspondents’ Dinner shooting.Credit : realDonaldTrump/truthsocial

સિક્રેટ સર્વિસની ત્વરિત કાર્યવાહી

ગોળીબારની શરૂઆત થતાની સાથે જ યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટો સક્રિય થઈ ગયા હતા. એજન્ટોએ તરત જ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. હુમલાખોરે એક સિક્રેટ પોલીસ ઓફિસર પર ગોળી ચલાવી હતી, પરંતુ ઓફિસરે બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હોવાથી તેનો બચાવ થયો હતો અને હુમલાખોરને ત્યાં જ દબોચી લેવાયો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ અફરાતફરીમાં સહેજ લથડ્યા હતા, પરંતુ સુરક્ષાકર્મીઓએ તેમને સંભાળીને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

બહુસ્તરીય સુરક્ષામાં ગાબડું અને સવાલો

આ કાર્યક્રમમાં સુરક્ષાના અનેક સ્તરો હોવા છતાં હુમલાખોરનું લોબી સુધી પહોંચી જવું તે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે. હોટલના મેટલ ડિટેક્ટર અને આઈડી વેરિફિકેશન છતાં એક સશસ્ત્ર વ્યક્તિ અંદર કેવી રીતે આવી શકી, તે અંગે તપાસ ચાલી રહી છે. હિલ્ટન હોટલ સંપૂર્ણપણે સીલ કરવામાં આવતી નથી કારણ કે ત્યાં અન્ય સામાન્ય મહેમાનો પણ રહેતા હોય છે, જે સુરક્ષા માટે એક નબળી કડી સાબિત થઈ.

ઘટનાનું ઐતિહાસિક મહત્વ

પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓએ ખૂબ જ બહાદુરી અને ઝડપથી કામ કર્યું છે. હાલમાં હુમલાખોર વિરુદ્ધ જીવલેણ હથિયારોથી હુમલો કરવા સહિતના ગંભીર આરોપો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ એ જ હોટલ છે જ્યાં 1981 માં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન પર પણ હુમલો થયો હતો. અંદાજે 45 વર્ષ બાદ ફરીથી તે જ સ્થળે રાષ્ટ્રપતિ પર હુમલાનો પ્રયાસ થતા સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે.