વિશ્વમાં અત્યારસુધી બર્ડ ફ્લૂ માત્ર પક્ષીઓમાં જોવા મળતો હતો પણ હવે તે માણસમાં જોવા મળતા આરોગ્ય વિભાગમાં ચિંતા પ્રસરી છે, અમેરિકામાં વધુ એક વ્યક્તિમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થતા બે કેસ સામે આવ્યા છે અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં એક કેસ જોવા મળ્યો છે તેમાંય આ કેસમાં ભારતથી પરત આવેલા બાળકમાં સંક્રમણ જોવા મળતા તે ભારતના ઝારખંડની ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી છે,આ વાત ને લઈ ઝારખંડમાં પણ એલર્ટ અપાયું છે.
ઝારખંડની રાજધાની રાંચીમાં બર્ડ ફ્લૂનો કેસ સામે આવતા 920 મરઘી અને બતકને મારી નાખવામાં આવ્યા હતા અને 4300 ઈંડાનો નાશ કરવામાં આવ્યો હતો આ વાયરસની પુષ્ટિ થયા બાદ રાજ્ય સરકારે એલર્ટ જાહેર કર્યું હતું.
આમ,ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં એક પછી એક બર્ડ ફ્લૂના કેસ સામે આવી રહ્યા છે ત્યારે તંત્ર એલર્ટ બન્યું છે.
અમેરિકામાં મનુષ્યોમાં બર્ડ ફ્લૂના બીજા કેસની પુષ્ટિ થઈ છે તે જ સમયે, માનવીઓમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ ઓસ્ટ્રેલિયામાં નોંધાયો છે જેની ટ્રાવેલ હિસ્ટ્રી ભારતની સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે.
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં એક બાળકમાં બર્ડ ફ્લુની પુષ્ટિ થઈ છે. આ બાળક થોડા સમય પહેલા ભારતથી પરત આવ્યો હતો.
ભારત પ્રવાસ દરમિયાન તે ગંભીર રીતે બીમાર પડયો હતો જે ઓસ્ટ્રેલિયા પરત ફર્યા બાદ ડોક્ટરોએ પુષ્ટિ કરી કે બાળકને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો છે.
બર્ડ ફ્લૂને એવિયન ઈન્ફલ્યુએન્ઝા પણ કહેવામાં આવે છે, જે વાયરલ ચેપ છે. તે પક્ષીથી પક્ષીમાં ફેલાય છે અને મોટાભાગના પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે.
યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) અનુસાર, બર્ડ ફ્લૂ સામાન્ય રીતે પાલતુ પક્ષીઓમાં જંગલી પક્ષીઓ દ્વારા ફેલાય છે.
CDC કહે છે કે આ વાયરસ પક્ષીઓના આંતરડા અથવા શ્વસનતંત્ર પર હુમલો કરે છે અને તેમને બીમાર બનાવે છે. ઘણા કિસ્સાઓમાં આ પક્ષીઓને મૃત્યુ તરફ દોરી જાય છે.
આ વાયરસ ચેપગ્રસ્ત પક્ષીના લાળ, અનુનાસિક પ્રવાહી અથવા મળ દ્વારા ફેલાય છે.
આવી સ્થિતિમાં જ્યારે અન્ય પક્ષી તેના સંપર્કમાં આવે છે ત્યારે તેને પણ ચેપ લાગી શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, બર્ડ ફ્લૂ અથવા એવિયન ફ્લૂ A એક પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે, જે પક્ષીઓ સાથે સાથે મનુષ્યને પણ સંક્રમિત કરી શકે છે.
જ્યારે કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત પક્ષીના સીધા સંપર્કમાં આવે છે,ત્યારે તેને બર્ડ ફ્લૂનો ચેપ લાગવાનું જોખમ પણ વધી જાય છે.
જોકે,અત્યાર સુધી માનવીઓને બર્ડ ફ્લૂથી સંક્રમિત થવાના બહુ ઓછા કેસ નોંધાયા છે, પરંતુ હવે માણસો પણ બર્ડ ફ્લૂથી સંક્રમિત થઈ શકે છે તે વાત સાબિત થઈ છે.
બર્ડ ફ્લૂનો સૌથી ખતરનાક વાયરસ H5N1 છે જેનો ચેપ લાગવાથી મોટાભાગના વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે.