ભારતથી અમેરિકા મોકલવાના સૌથી મોટા કબૂતરબાજી કૌભાંડનો ભાંડાફોડ થયો છે અને અમેરિકામાં ધુષણખોરી કરતા 96 જેટલા ગુજરાતીઓ ઝડપાયા છે અને તેઓ ઉત્તર ગુજરાતના હોવાની વાત સામે આવી છે, દુબઈથી નિકારા ગુઆ જઈ રહેલા A340 વિમાનને ફ્રાન્સના વેત્રી એરપોર્ટ ઉપર અટકાવી થયેલી તપાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.

અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માટે આ સમગ્ર રેકેટ દિલ્હીનો શશી રેડ્ડી નામનો વ્યક્તિ સ્થાનિક એજન્ટોની મદદથી ચલાવતો હોવાનું ખુલ્યું છે જે અડધા કરોડથી 1 કરોડ રૂપિયા વસૂલતો હોવાનો મામલો તપાસમાં સામે આવ્યો છે.

મહત્વનું છે કે શુક્રવારે દુબઈથી નિકારા ગુઆ જઈ રહેલા A340 વિમાનને ફ્રાન્સના વેત્રી એરપોર્ટ ઉપર અટકાવવામાં આવ્યું હતું, કારણકે ફ્રાન્સની માનવ તસ્કરી વિરુદ્ધ અભિયાન ચલાવતી એજન્સીને ખબર મળી હતી કે આ પ્લેનમાં માનવ તસ્કરી અથવા કબૂતરબાજી સબંધિત પેસેન્જર છે અને ત્યારબાદ 303 ભારતીય મુસાફર ભરેલા પ્લેનને રોકી તપાસ થઈ હતી જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે આ પ્લેનમાં 96 જેટલા મુસાફરો ગુજરાતી હતા અને જેઓએ દુબઈથી મધ્ય અમેરિકન દેશ નિકરાગુઆ જઈ રહયા હતા સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા વ્યક્તિદીઠ રૂ.70થી80 લાખ ખર્ચ કરે છે.
ફ્રાન્સના સિવિલિયન પ્રોટેક્શન વિભાગના નિવેદન મુજબ 21થી 17 વર્ષના બાળકો પણ મળ્યા છે જે પૈકી 13 બાળકો એકલાજ મુસાફરી કરતા હતા.
સૂત્રોએ ઉમેર્યું છે કે દુબઈથી આ રીતે હવાઈ માર્ગે નિકારાગુઆ પહોંચ્યા બાદ આ તમામને ત્યાંથી 3200 કીમીનો રસ્તો બાય રોડ કાપીને મેકિસકો બોર્ડર પહોંચી ત્યાંથી અમેરિકામાં ઘૂસવાનું હતું.

આ અંગે ભારતીય એમ્બેસીને જાણ કરીને પેસેન્જરોના યાદી સુપ્રત કરાઈ હતી.જેમાં ૯૬  જેટલા ગુજરાતીઓ છે. આ ગુજરાતીઓ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગરના કલોલના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.  

આ સમગ્ર રેકેટ  દિલ્હીનો શશી રેડ્ડી નામનો વ્યક્તિ સ્થાનિક એજન્ટોની મદદથી ચલાવતો હોવાનું ખુલ્યું છે.
શશિરેડ્ડી અમેરિકા જવા ઇચ્છતા લોકો પાસેથી ૭૦ થી ૮૦ લાખ રૂપિયા લેતો હતો.
જેમાં બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાથી માંડીને  મેક્સિકો લાઇન સુધીની લીંકને સાચવતો હતો. 

ગેરકાયદેસર રીતે અમેરિકા જતા લોકોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેમને શશી રેડ્ડીના માણસો ભારતથી દુબઇ લઇ જતા હતા અને ત્યાંથી ખાનગી એરલાઇનનું વિશેષ વિમાન કરોડો રૂપિયાના ભાડે લઇને તેમાં પેસેન્જરોને દુબઇથી  નિકારાગુઆ એરપોર્ટ લઇ જવાતા હતા.
જો કે આ રૂટ પર વિમાનમાં ફ્યુઅલિંગ જરૂરી હોવાથી પેરિસ એરપોર્ટ ઉતરવું જરૂરી હોય છે,જે બાદ નિકારાગુઆ પહોચીને ત્યાંથી ૩૨૦૦ કિલોમીટરનો રસ્તો કાર કે અન્ય વાહનમાં કાપીને મેક્સિકો બોર્ડરથી અમેરિકા મોકલવાના હતા.   

ઉલ્લેખનીય છે કે કલોલના ડીગુંચાના અને અન્ય કેસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે બાદ હવે ૯૬ જેટલા ગુજરાતીઓ ગેરકાયદેસર રીતે  અમેરિકા જતા મળી આવતા સીઆઇડી ક્રાઇમ દ્વારા વિશેષ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી શકે છે અને કબુતરબાજીને લગતા અત્યાર સુધીના સૌથી મોટા ખુલાસા થઇ શકે છે
શશી રેડ્ડી  અને તેની સાથે સંકળાયેલા લોકો અગાઉ  પાંચ ફ્લાઇટમાં પેરિસ એરપોર્ટથી જ ફ્યુઅલિંગ કરાવી ચુક્યા હોવાનો ખુલાસો થયો છે.  આમ, તેણે ૧૨૦૦ વધારે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલ્યા હતા. અમેરિકામાં ગેરકાયદેસર રીતે મોકલવા માટે વિવિધ પેકેજ ઓફર કરવામાં આવતા હતા.  જેમાં એક વ્યક્તિ  માટે ઓછામાં ઓછી ૮૦ લાખની રકમ અને થોડી વધારે સુવિદ્યા જોઇતી હોય તો તે રકમ એક કરોડ સુધીની હતી.  

જો બે વ્યક્તિ અમેરિકા જવા ઇચ્છતા હોય તો પેકેજમાં ૧.૩૦ કરોડ રૂપિયા અને જો ત્રણ વ્યક્તિ કે ફેમિલી હોય તો તેમના માટેના પેકેજની કિંમત રૂપિયા ૨.૧૦ કરોડથી ૨.૩૦ કરોડ હતી. જેમાં અડધા નાણાંની ચુકવણી પહેલા અને બાકીના અડધા નાણાંની ચુકવણી મેક્સિકો બોર્ડર પર પહોંચે ત્યારે કરવામાં આવતી હતી. શશી રેડ્ડી માટે ઉત્તર ગુજરાતમાં ૧૦થી વધુ એજન્ટ કામ કરતા હતા અને તેનું નેટવર્ક સમગ્ર ભારતમાં ફેલાયેલું હોવાની વાત સામે આવતા તપાસ એજન્સીઓમાં ભારે સનસનાટી મચી જવા પામી છે.