એક મહિલાનો પતિ ગુમ થયા બાદ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ, 6 મહિના બાદ ગુમ પતિની ફરિયાદ પત્નીએ નોંધાવી
ગુજરાતીઓનું અમેરિકા જવાનું સપનું ક્યારેક ભારે પડી જતું હોય છે અને આવા અનેક કિસ્સા વિશે આપણને ખબર પણ છે. જોકે ગેરકાયદે રસ્તે અમેરિકા જવાની ગેલછા ક્યારેય ઘણાં ગુજરાતીઓમાં ઓછી થવાનું નામ નથી લેતી. તેમાંય ખાસ કરીને વાત જ્યારે ઉત્તર ગુજરાતની હોય ત્યારે અમેરિકા જવાના જાત જાતના રસ્તા આપણા એજન્ટો તથા ગેરકાયદે જવા માગતા લોકો શોધી કાઢતા હોય છે. આ વખતે ઘટના ઉત્તર ગુજરાતના પ્રાંતિજ ખાતે બની છે જ્યાં એક મહિલાનો પતિ ફેબ્રુઆરી 2023થી અમેરિકા જવા નીકળ્યો હતો. જોકે અમેરિકા ન પહોંચતા સમગ્ર પ્રકરણ હવે પોલીસ સ્ટેશને પહોંચી ગયું છે.
20 લાખ આપી યુવક અમેરિકા જવા નીકળ્યો
પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં નોંધાયેલી માહિતી અનુસાર યુવક એજન્ટને 20 લાખ આપીને અમેરિકા જવા માટે નીકળ્યો હતો. આ પ્રકારે આ યુવકની સાથે અન્ય 8 ગુજરાતીઓ પણ હોવાનું સામે આવ્યું છે. જેમાંથી અન્ય ત્રણ ગુજરાતીઓ પરિવારનો પણ તેમના સ્વજનો સાથે છેલ્લા છ મહિનાથી સંપર્ક નથી થયો. જોકે ચોંકાવનારી હકીકત એ છે કે મૂળ એજન્ટ ડિંગુચાનો રહેવાસી છે જ્યાંથી ગત વર્ષે જ્યાંનો એક પરિવાર કેનેડા-યુએસ બોર્ડર પર બરફમાં થીજી જતા મોત થયું હતું. જ્યારે વધુ એક એજન્ટ અમદાવાદના ન્યૂ રાણીપ ખાતે આવેલા આર્યવીલાનો રહેવાસી છે. જેનું નામ મહેન્દ્ર બળદેવભાઇ પટેલ ઉર્ફે એમડી હોવાનું સામે આવ્યું છે. જેમના ભાઇનો પરિવાર કેનેડામાં મોતને ભેટ્યો હતો.
નેધરલેન્ડ સહિત કેરેબિયન ટાપુ દેશમાં ફેરવ્યા
ઉત્તર ગુજરાતના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામનાં રહેવાસી ચેતનાબેન રબારીએ પ્રાંતિજ પોલીસને આપેલી વિગત અનુસાર તેમના પતિ ભરતભાઇ રબારી ડિંગુચાના રહેવાસી મહેન્દ્ર પટેલને મળ્યા હતા અને તેમની સાથે મહેસાણાના મગુના ખાતે દિવ્યેશકુમાર ઉર્ફે જોની મનોજકુમાર પટેલે (રહે. બાલા હાઇટ ફ્લેટ, સ્વામિનારાયણ મંદિર પાછળ, નાગલપુર, મહેસાણા. મૂળ રહે. ઉમિયાનગર સોસાયટી, મગુના. તા. મહેસાણા) 70 લાખમાં અમેરિકા મોકલવા અંગેની છેતરપિંડી કરી છે. તેમના પતિ 8 જાન્યુઆરી 2023એ મુંબઇથી નેધરલેન્ડ ગયા હતા અને ત્યાંથી કેરેબિયન કન્ટ્રી પોર્ટ ઓફ સ્પેન તથા ડોમિનિકા ગયા હતા. આ દેશોમાં ભારતભાઇ પહોંચી પણ ગયા હતા અને તેમના પરિવાર સાથે સતત સંપર્કમાં હતા. જોકે ડોમિનિકામાં થોડા દિવસ રોકાયા બાદ તેમનો સંપર્ક તૂટી ગયો હતો.
70 લાખમાં અમેરિકામાં વર્ક વિઝાની લાલચ આપી
ઉપરોક્ત એજન્ટોએ ભરતભાઇને અમેરિકાની વર્ક પરમિટ માટે 70 લાખનો ભાવ નક્કી કર્યો હતો . એમાં અમેરિકા જતાં પહેલાં 20 લાખ અને ત્યાં પહોંચ્યા બાદ 50 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. જોકે હવે જ્યારે ભરતભાઇ અમેરિકા પહોંચ્યા હોવાનો કોઇ પૂરાવો એજન્ટ તરફથી આપવામાં આવ્યો નથી જેથી હવે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે અને બંને એજન્ટ સામે છેતરપિંડીનો કેસ નોંધાયો છે.
કેનેડામાં મોતને ભેટેલા ડિંગુચામાં એજન્ટનો પરિવાર માર્યો ગયો હતો
આ તરફ ન્યૂ રાણીપ ખાતે રહેતા એજન્ટ મહેન્દ્ર પટેલે દાવો કર્યો છે કે ભરતભાઇ માર્ટીનીક્યુમાં મોજુદ છે અને તેમની સાથે બીજા ગુજરાતીઓ નિખિલકુમાર પ્રહલાદભાઇ પટેલ, ધૃવરાજસિંહ બલવંતસિંહ વાઘેલા, પ્રતીકકુમાર હેમંતકુમાર પટેલ પણ હોવાનું રટણ કરી રહ્યા છે. જોકે ચેતનાબેન રબારી ઉપરાંત અન્ય ત્રણ પરિવારના લોકો પણ હવે તેમના સ્વજન સંપર્ક વિહોણા હોવાનું કહી રહ્યા છે. નોંધનીય છે કે મહેન્દ્ર પટેલ પોતે ડિંગુચાના જ રહેવાસી છે, જ્યાંના ચાર નાગરિકો કેનેડા-યુએસ બોર્ડર પર મોતને ભેટ્યા હતા, જેના સમાચાર સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. જેમાં ડિંગુચાના જગદીશભાઈ બળદેવભાઈ પટેલ (39 વર્ષ), વૈશાલીબેન જગદીશકુમાર પટેલ (37 વર્ષ), વિહાંગી (11 વર્ષ) તથા ધાર્મિક (3 વર્ષ) ગેરકાયદે બોર્ડર ક્રોસ કરી રહ્યા હતા ત્યારે હિમવર્ષામાં મોતને ભેટ્યા હતા.