ઓસ્ટ્રેલિયામાં ભારતીય પરિવારના બે લોકોના ઇસ્ટરના દિવસે ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે,સાથેજ છેલ્લા બે મહિનામાં આવા સાત ભારતીયોના ડૂબી જવાથી મોત થયા છે.

અહીં,ભારતીયોના ડૂબી જવાની ઘટનાઓ ચિંતાજનક બની છે.
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતો 38 વર્ષીય સની રંધાવા તેના પરિવાર સાથે ઇસ્ટરની રજાઓ મનાવવા ગોલ્ડ કોસ્ટ ગયો હતો જ્યાં તે પોતાના પિતા સાથે સ્વિમિંગ પૂલની કિનારે બેસી સૂર્યસ્નાન કરી રહ્યો હતો અને તેની બે વર્ષની પુત્રી તેની બાજુમાં રમી રહી હતી અને અચાનક દીકરી પાણીમાં પડી ગઈ. તેને બચાવવા માટે સની પાણીમાં કૂદી પડ્યો અને તેણે પોતાની દીકરીને તો બચાવી લીધી પણ પોતે સ્વિમિંગ પૂલના ઊંડાણમાં ફસાઈ ગયો.
પુત્રને ડૂબતો જોઈ સનીના પિતા પણ પાણીમાં કૂદી પડ્યા હતા પણ બંને બહાર ન આવી શક્યા અને બંનેના કરુણ મોત થયા.
ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય સમુદાય માટે આ સમાચાર એક મોટા આંચકા સમાન છે કારણ કે બે મહિના પહેલા પણ વિક્ટોરિયાના ફિલિપ આઇલેન્ડમાં એક જ પરિવારના ચાર લોકો ડૂબી ગયા હતા તેઓ દરિયાના ખતરનાક મોજાનો શિકાર બન્યા હતા.

આ પહેલા વિક્ટોરિયા રાજ્યમાં 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત થયું હતું.

ઓસ્ટ્રેલિયા તેના સુંદર દરિયાકિનારાના કારણે વિશ્વભરમાં જાણીતું છે અને તે પ્રવાસીઓને આકર્ષે છે.
પરંતુ દર વર્ષે આ દરિયામાં ડૂબી જતાં સેંકડો લોકોના જીવ જાય છે.
નેશનલ ડ્રાઉનિંગ રિપોર્ટ 2023 મુજબ, 1 જુલાઈ, 2022 થી 30 જૂન, 2023 વચ્ચે, દેશમાં 281 લોકોના ડૂબવાને કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે અનેક લોકોને મુશ્કેલીથી બચાવી શકાયા હતા.
‘ધ રોયલ લાઈફ સેવિંગ’ સંસ્થાના જણાવ્યા અનુસાર આ ઉનાળામાં એટલે કે 1 ડિસેમ્બર 2023થી 29 ફેબ્રુઆરી 2024ની વચ્ચે દેશભરમાં 99 લોકોએ ડૂબી જવાથી જીવ ગુમાવ્યા છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 10 ટકા અને પાંચ વર્ષની સરેરાશ કરતાં 5 ટકા વધુ છે.

મૃત્યુ પામેલા લોકોમાંથી 26 ટકા લોકો નાતાલ અને નવા વર્ષની વચ્ચેના અઠવાડિયામાં મૃત્યુ પામ્યા જ્યારે ઓસ્ટ્રેલિયામાં ગરમી તેની ટોચ પર હતી.
26 ટકા લોકો 55 વર્ષ કે તેથી વધુ ઉંમરના હતા જ્યારે 10 ટકા 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હતા.
આ ઉનાળામાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા લોકોમાં દસ ટકા વિદેશી પ્રવાસીઓ હતા. રાષ્ટ્રીયતાના આધારે આ પીડિતોની કોઈ સંખ્યા ઉપલબ્ધ નથી, પરંતુ દર ઉનાળામાં ભારતીય મૂળના લોકોના ડૂબી જવાના ઘણા અહેવાલો આવે છે કે સમુદાય ડરવા લાગ્યો છે. મેલબોર્નમાં રહેતી ચમનપ્રીત કહે છે કે દર વર્ષે આટલા બધા મૃત્યુ જોઈને ખૂબ જ દુઃખ થાય છે.

તેણી કહે છે, “હું લગભગ આઠ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં છું અને દર વર્ષે ભારતીય સમુદાયના લોકોના ડૂબવાના ઘણા અહેવાલો આવે છે, જે ખૂબ જ દુઃખદ છે. આવા પરિવારો કે જેઓએ પોતાના સ્વજન ગુમાવતા બરબાદ થઈ ગયા છે.”

ઓસ્ટ્રેલિયામાં તરતા શીખવું એ જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.
અધિકારીઓનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયામાં વિદેશીઓમાં ડૂબવાની ઘણી ઘટનાઓ છે કારણ કે તેઓ તરવાનું નથી જાણતા અને સમુદ્ર અને પાણીના જોખમને હળવાશથી લે છે.

રોયલ લાઈફ સેવિંગ સોસાયટી ક્વીન્સલેન્ડના ડાયરેક્ટર પોલ બેરી કહે છે કે જ્યારે લોકો પોતાના સ્વજનને બચાવવા પાણીમાં કૂદી પડે છે ત્યારે તેઓ પોતે તરવાનું કેટલું જાણે છે તેની અવગણના કરે છે.

મીડિયા સાથે વાત કરતા બેરીએ કહ્યું, “આપણે ઘણીવાર જોઈએ છીએ કે જ્યારે બાળકો પાણીમાં પડી જાય છે, ત્યારે માતા કે પિતા તેમને બચાવવા માટે કૂદી પડે છે. ઘણી વખત એવું બને છે કે બાળક તો બચી જાય છે પરંતુ માતા-પિતા પોતાનો જીવ ગુમાવે છે.

બહુસાંસ્કૃતિક સમુદાયોની દેખરેખ માટે જવાબદાર ન્યુ સાઉથ વેલ્સની સરકારી સંસ્થા, બહુસાંસ્કૃતિક NSW ના વડા, જોસેફ લા પોસ્ટા કહે છે કે આ સમુદાયો વધુ જોખમમાં છે કારણ કે વિદેશી મૂળના 3 થી 5 ટકા લોકો બિલકુલ તરી શકતા નથી અથવા બહુ ઓછા જાણતા હોય છે.

ઓસ્ટ્રેલિયન સરકાર પણ એ વાતનો અહેસાસ કરી રહી છે કે ઓસ્ટ્રેલિયામાં રહેતા વિદેશી મૂળના લોકોમાં સ્વિમિંગ પ્રત્યે જાગૃતિ નથી. તેથી, આવા કાર્યક્રમો ખાસ કરીને આવા લોકોને મદદ કરવા માટે ચલાવવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, સિડનીના પશ્ચિમમાં બહુસાંસ્કૃતિક શહેર, લિવરપૂલની કાઉન્સિલએ ‘પ્રોજેક્ટ હાર્મની’ નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે જેમાં 1,000 સ્થાનિક બાળકોને મફતમાં સ્વિમિંગ શીખવાડવામાં આવશે.

રોયલ લાઈફ સેવિંગ એનએસડબલ્યુના સીઈઓ માઈકલ લિન્સ્કી કહે છે કે જ્યાં ડૂબવાની સરેરાશ સંખ્યા વધુ છે તેવા વિસ્તારોમાં આ પ્રકારના કાર્યક્રમોની ખાસ જરૂર છે. ન્યુ સાઉથ વેલ્સમાં ભારતીય મૂળના ધારાસભ્ય કરિશ્મા કાલિયાંડા કહે છે કે જો ભંડોળના અભાવે બાળકોને તરવાનું શીખવવામાં ન આવે તો તે ચિંતાનો વિષય છે અને આ સમસ્યાનો ઉકેલ શોધવો જરૂરી છે, તેથી કાર્યક્રમો લિવરપૂલ કાઉન્સિલની જેમ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આમ,તરતા નહિ આવડતું હોય લોકોના ડૂબી જવાથી મોત થઈ રહયા છે.