વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત 234 રને જ થયું ઓલઆઉટ
ભારતીય ક્રિકેટ ટીમ સતત હારતી રહે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે 444 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને ટીમ ઈન્ડિયા 234 રન પર સમેટાઈ ગઈ હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાએ 209 રનથી જીત મેળવીને પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ કબજે કર્યું હતું.
આઈસીસીની ફાઈનલ મેચમાં હારવું ટીમ ઈન્ડિયાની આદત બની ગઈ છે. ભારતીય ટીમ 10 વર્ષથી ICCનું એકપણ ટાઇટલ જીતી શકી નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે ભલે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવ્યું હોય પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયા માટે ફાઇનલમાં કાંગારૂ ટીમને હરાવવાનું એક દૂરનું સપનું છે. જો કે છેલ્લા 20 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ઘણી વખત ટકરાયા છે, પરંતુ જ્યારે ICC નોકઆઉટ મેચોની વાત આવે છે, તો ટીમ ઈન્ડિયા માટે એક આંકડો મોટો માથાનો દુખાવો બની જાય છે. આ આંકડો 234 રનનો છે, જે છેલ્લા 20 વર્ષથી ભારત માટે અશુભ રહ્યો છે. અમે આ નથી કહી રહ્યા પરંતુ રેકોર્ડ સ્પષ્ટપણે આ કહે છે.
વાસ્તવમાં, છેલ્લા 20 વર્ષમાં ભારતીય ટીમ ICC નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 3 વખત ઓલઆઉટ થઈ છે અને રસપ્રદ વાત એ છે કે ત્રણેય વખત ટીમ ઈન્ડિયાએ 234 રન બનાવ્યા છે. ભારતીય ટીમ 20 વર્ષ બાદ પ્રથમ વખત 2003 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચી ત્યારે આ સિરીઝ શરૂ થઈ હતી.
2003 વર્લ્ડ કપ : ભારત 234 રનમાં ઓલઆઉટ
ICC વર્લ્ડ કપ 2003ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 359 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 39.2 ઓવરમાં માત્ર 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાનું બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું અધૂરું રહી ગયું જે આખરે 2011માં પૂરું થયું.
2015 વર્લ્ડ કપ સેમિફાઇનલ : ભારત 234 રનમાં ઓલઆઉટ
ICC વર્લ્ડ કપ 2011નો ખિતાબ જીત્યાના ચાર વર્ષ બાદ, ટીમ ઈન્ડિયા 2015ની સેમીફાઈનલમાં હતી જ્યાં તેનો સામનો યજમાન ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 328 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયા 234 રનમાં આઉટ થઈને ટાઈટલની રેસમાંથી બહાર થઈ ગઈ.
2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ : ભારત 234 રનમાં ઓલઆઉટ
આઈસીસી ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો 234 રનનો સ્કોર અહીં જ ન અટક્યો અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ત્રીજી વખત આ કારનામું કર્યું. 270/8ના સ્કોર પર પોતાનો બીજો દાવ ડિકલેર કરતા ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 444 રનનો રેકોર્ડ લક્ષ્યાંક મૂક્યો હતો અને તેના જવાબમાં ભારતીય ટીમ આ વખતે પણ 234 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.