ગયા અઠવાડિયે, CBIએ ICICI બેન્કના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચરની કરી છે ધરપકડ

બેંક લોન ફ્રોડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ આ કેસમાં વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી છે. આ પહેલા સીબીઆઈએ આ કેસમાં આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ એમડી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી.

આરોપ છે કે જ્યારે ચંદા કોચર ICICI બેંકના વડા હતા ત્યારે તેમણે વીડિયોકોન ગ્રુપને લોન આપી હતી. તેના બદલામાં ચંદાના પતિ દીપક કોચરની કંપની ન્યુ રિન્યુએબલને વીડિયોકોન પાસેથી રોકાણ મળ્યું હતું. ગયા અઠવાડિયે, CBIએ ICICI બેન્કના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેના દીપક કોચરની વીડિયોકોન ગ્રૂપને રૂ. 3,250 કરોડની બેન્ક લોન આપવાના સંબંધમાં ધરપકડ કરી હતી. આ પછી મુંબઈની વિશેષ અદાલતે બંનેને ત્રણ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

શું છે મામલો?

2012માં વીડિયોકોન ગ્રુપને ICICI બેંક દ્વારા લોન આપવામાં આવી હતી. જે પાછળથી NPA બની ગયું અને પછીથી તેને “બેંક ફ્રોડ” કહેવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દીપક કોચરની ધરપકડ કરી હતી. હકીકતમાં, 2012 માં, ચંદા કોચરની આગેવાની હેઠળની ICICI બેંકે વિડિયોકોન જૂથને 3,250 કરોડની લોન આપી હતી અને છ મહિના પછી વેણુગોપાલ ધૂતની માલિકીની મેસર્સ સુપ્રીમ એનર્જીએ મેસર્સ ન્યુપાવર રિન્યુએબલ્સને 64 કરોડની લોન આપી હતી. જેમાં દીપક કોચરનો 50% હિસ્સો છે.

ICICI બેંક અને વિડિયોકોનના શેરધારક અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન, રિઝર્વ બેંક અને સેબીને પત્ર લખીને વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂત અને ICICI CEO અને MD ચંદા કોચર પર એકબીજાની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ધૂતની કંપની વિડિયોકોનને ICICI બેંક તરફથી 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી અને તેના બદલામાં ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચર દ્વારા સંચાલિત વૈકલ્પિક ઉર્જા કંપની ન્યુ પાવરમાં રોકાણ કર્યું હતું.

વેણુગોપાલ ધૂતની તરફેણ કરવાનો આરોપ
આરોપ છે કે આ રીતે ચંદા કોચરે વેણુગોપાલ ધૂતને તેમના પતિની કંપની માટે ફાયદો કરાવ્યો હતો. વર્ષ 2018માં આ ખુલાસા બાદ ચંદા કોચરે બેંકમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. સીબીઆઈએ અગાઉ ફેબ્રુઆરી 2018માં આ મામલે પ્રાથમિક તપાસ (PE) નોંધી હતી.

વર્ષ 2019માં જસ્ટિસ બી.એન. શ્રીકૃષ્ણ સમિતિનો રિપોર્ટ આવ્યો. સમિતિને તેની તપાસમાં જાણવા મળ્યું કે કોચરે વીડિયોકોનને લોન આપવામાં બેંકની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. કોચરની મંજૂરી પર, આ લોનનો કેટલોક ભાગ તેના પતિ દીપકની માલિકીની કંપનીને આપવામાં આવ્યો હતો.