બે વર્ષના સંઘર્ષ બાદ મધ્ય પૂર્વમાં શાંતિની આશા; ગાઝામાં હમાસના વર્તનથી કરાર પર સવાલો, સ્પેશિયલ એન્વોય સ્ટીવ વિટ્કોફ અને જેરેડ કુશ્નર દ્વારા હમાસને આ સંદેશો પહોંચાડવામાં આવ્યો
ન્યૂ જર્સીથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો અહેવાલ – બે વર્ષના લાંબા અને દર્દનાક યુદ્ધ પછી મધ્ય પૂર્વમાં શાંતિની આશા વ્યક્ત થઈ રહી છે, તેમ છતાં તણાવની સ્થિતિ હજી પણ યથાવત્ છે. 14 ઑક્ટોબર, 2025ના મંગળવારે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સ્પષ્ટ ચેતવણી આપી હતી:
“જો હમાસ તેની પાસેના ઘાતક હથિયારોનો ત્યાગ નહીં કરે, તો અમે જબરજસ્તીથી તેમની પાસેથી હથિયારો છીનવી લઈશું, અને તે ઝડપથી અને કદાચ હિંસક રીતે થશે!”
આ નિવેદન ટ્રમ્પના 20-બિંદુઓવાળા શાંતિ કરારના બીજા તબક્કાના સંદર્ભમાં આવ્યું છે, જેમાં હમાસને તેના હથિયારો છોડવા પડશે. ટ્રમ્પે જણાવ્યું કે સ્પેશિયલ એન્વોય સ્ટીવ વિટ્કોફ અને જેરેડ કુશ્નર દ્વારા હમાસને આ સંદેશો પહોંચાડવામાં આવ્યો છે.
હમાસનું વિરોધાભાસી વર્તન અને કરારનું ઉલ્લંઘન
એક તરફ હમાસે હથિયારો નહીં ઉપાડવાની શર્ત સૈદ્ધાંતિક રીતે માની છે, પરંતુ ગાઝામાં તેનું વર્તન કંઈક અલગ જ જોવા મળ્યું:
- જાહેરમાં ગોળીબાર: કેટલાક નકાબધારી વ્યક્તિઓએ જાહેરમાં આઠ વ્યક્તિઓને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા, એમ કહીને કે આ આઠ વ્યક્તિઓ ઇઝરાયેલ સાથે જોડાયેલા હતા. આ ઘટના શાંતિ કરારને વધુ અસ્પષ્ટ બનાવે છે.
- બંધકોની મુક્તિમાં વિલંબ: હમાસે શાંતિ કરાર હેઠળ 20 જીવિત ઇઝરાયલી બંધકોને મુક્ત તો કર્યા, પરંતુ હમાસ દ્વારા અપહરણ કરાયેલા વ્યક્તિઓના મૃતદેહ ઇઝરાયલને સોંપ્યા નથી. સામે પક્ષે, ઇઝરાયલે 2000થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓને છોડ્યા છે.
- ઇઝરાયેલનો આરોપ: ઇઝરાયેલનું કહેવું છે કે હમાસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને તે મૃતદેહોને સોંપવામાં વિલંબ કરી રહ્યું છે.
આગળનો પડકાર અને મધ્ય પૂર્વનું ભાવિ
આ ઘટનાક્રમ વચ્ચે હમાસના લડાયક જૂથો ગાઝા સિટીમાં વધુ સક્રિય થઈ રહ્યા છે. આજના સંકટમાં, ટ્રમ્પની ધમકી હમાસ માટે એક નવો પડકાર છે.
શું હમાસ હથિયારોનો ત્યાગ કરશે કે ફરીથી વિગ્રહની આગ ભડકાવશે? મધ્ય પૂર્વનું ભાવિ આ પગલાં પર નિર્ભર છે, અને વિશ્વના નેતાઓની નજર આ જટિલ રમત પર કેન્દ્રિત છે. શાંતિની આશા હજુ જીવિત છે, પરંતુ તેને મજબૂત કરવા માટે કડક વ્યૂહરચના જરૂરી છે, નહીંતર ફરીથી લોહિયાળ જંગમાં ગાઝા રક્તરંજિત થશે.